ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ, કપરાડામાં પોણા 9 અને ધરમપુરમાં પોણા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 20 તાલુકામાં 5 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 30 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે અને 48 કલાકમાં 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જોકે કેટલાક સ્થળો પર હજી વરસાદની રાહ જોવામાં આવી રહીએ છે. જ્યારે શુક્રવારે અમદાવાદમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં વરસાદી માહોલ હળવો થવાની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં વિવિધ પ્રકારે વરસાદી વરતારો મેળવવામાં આવે છે અને આ વરતારા અનુસાર આ વર્ષે ચોમાસું સારું થવાનું કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદની વાત કરીએ તો ગઇકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીનો વરસાદમાં પોરબંદર 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાણાવાવ 3.5 ઇંચ વરસાદ અને કુતિયાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ખેરગામ 121 mm, ગણદેવી 88 mm, ચીખલી 151 mm, જલાલપોર 74 mm, નવસારી 105 mmસ વાંસદામાં 186 mm વરસાદ નોંધાયો છે. જ્યારે સાંજે 6 વાગ્યાથી નવસારી જિલ્લામાં વરસાદનું જોર નરમ પડ્યું હતું. સાંજે 6 થી સવારે 6 સુધી 12 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો ખેરગામ 12 mm, ગણદેવી 05 mm, ચીખલી 10 mm, જલાલપોર 06 mm, નવસારી 07 mm અને વાંસદામાં 22 mm વરસાદ પડ્યો છે.
આ સિવાય અન્ય જગ્યાએ પણ મેઘો મુશરધાર વરસી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ મેઘમહેર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં સતત અવિરત વરસાદ વરસતાં તમામ જળાશયો અને નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે રાજ્યના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
કચ્છમાં ભારે વરસાદ બાદ હવે અનેક સ્થળે તારાજીના દ્રષ્યો સામે આવી રહ્યા છે અને વરસાદી પાણી ક્યાંક આફત બની રહ્યું છે. ત્યારે આજે શનિવારે ભુજ તાલુકાના મીરજાપરથી મોચીરાઈ તરફ જતા માર્ગના અન્ડર બ્રિજમાં એક કાર પાણીમાં ગરક થઈ જતા ફસાઈ ગઈ હતી. સદભાગ્યે કારમાં સવાર બંને લોકો સ્વબચાવ કરી બહાર નીકળી આવ્યાં હતા. જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બપોરે દોઢ વાગ્યે ફસાયેલી કારને બહાર લાવવા ભૂજની ફાયર વિભાગને ભારે જહેમત ઉઠવવી પડી હતી. અંતે સલામત રીતે કારને બહાર ખેંચી લેવામાં આવી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નથી પરંતુ ઘટનાના પગલે લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી.
ભુજ શહેર નજીક મીરજપર મોચીરાઈ તરફ જતા માર્ગ વચ્ચે આવતા અન્ડર બ્રિજમાં હાલ વરસાદી પાણી ભરાયેલા છે. જેમાં મોચીરાઈ તરફ જવા માંગતી કારને પાણીમાં આગળ ગયા બાદ પરત લેવાના પ્રયાસો કરાયા હતા પરંતુ કાર પાણીમાં લપસી પડતા કાર ફસાઈ ગઈ હતી. જોકે, કારમાં સવાર બન્ને લોકો બહાર નીકળી આવ્યાં હતા. ફાયર ટીમના સચિન પરમાર, રવિરાજ ગઢવી, સુનિલ મકવાણા, સત્યજિતસિંહ ઝાલા, રાહુલ ગોર અને ટ્રેનિંગ સ્ટાફ દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી.
નવસારીમાં ગત રોજથી વરસી રહેલા અનરાધાર વરસાદે નદીઓને બંને કાંઠે કરી છે. ભારે વરસાદને કારણે ખેરગામ તાલુકાના નાંધઈ ગામ પાસે આવેલી ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થયો છે. ગામમાંથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહેતા નદી પાસે પહોંચવું જોખમી બન્યુ છે, જેને લઈને સ્થાનિક પોલીસ દ્વારા નાંધઈ ગંગેશ્વર મંદિર નજીકના માર્ગ પર બેરીકેટ મુકવા સાથે પોલીસ જવાનોને પણ તૈનાત કર્યા છે. ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થતા સામેના વલસાડ જિલ્લાના મરલા સહિતના 10 ગામોનો ખેરગામ સાથેનો સંપર્ક તૂટ્યો છે. સાથે જ ઔરંગા નદી પર આવેલા અન્ય લો લેવલ પુલ અને કોઝવે પણ જળમગ્ન થતા ઘણા ગામડાઓને અસર થઈ છે. જેમાં પાટી અને કઠઠાણાં, ચીમનપાડા અને મરઘમાળ, બહેજ અને ભાંભાને જોડતા લો લેવલ બ્રીજ પરથી ઔરંગાના પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ખેરગામ તાલુકામાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં પુરા થતા 32 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 2 ઇંચ તેમજ ચીખલી અને વાંસદા તાલુકામાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગની આગાહીને કારણે બે દિવસથી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.
ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ ને લઈ વલસાડ ની ઔરંગા નદી એ ભયજનક સપાટી એ વહેતા તંત્ર દ્વારા એલર્ટ ના આદેશ અપાયા નદી પાણી શહેર ના બરૂરિયાવાડ માં ઘૂસતા તંત્ર દોડતું થયું, વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી એ વહેતા વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું છે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા વલસાડ શહેર ના તથા આજુબાજુના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું વલસાડના લીલાપોર,ધમડાચી, વલસાડ પારડી, છીપવાડ, દાણા બજાર, હનુમાનભાગડા, મોરાભાગડા, કાશ્મીર નગર વિસ્તારો ના લોકો ને એલર્ટ કરી સાવચેત કરાયા છે તેમજ વલસાડ તાલુકા ના ગામડાઓને પણ એલર્ટ કરાયા છે લોકો ને સ્થળાંતર કરવા માટે 64 જેટલા સેલટર હોમ પણ બાનવવામાં આવ્યા છે વલસાડ ખાતે NDRF ને પણ એલર્ટ રાખવામાં આવી છે..
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન અડધા ઇંચથી લઈ સવા છ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાકના ગાળા દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ વરસાદ જોડીયામાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ લાલપુર તાલુકા મથકે નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે કાલાવડમાં આવેલો ઉંડ 3 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જિલ્લાના 25 પૈકી 7 ડેમમાં નવા નીરની આવક થઈ છે.