સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોનો અનોખો વિરોધ, મહિલા અને પુરુષ ટાવર પર ચડી ગયા
નર્મદા, 6 ડિસેમ્બર: સરદાર સરોવર યોજનાના અસગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માગણીઓનો ઉકેલ ન આવતા બે લોકોએ અનોખો વિરોધ કર્યો હતો. હકીકતમાં, નર્મદા જિલ્લાના નવાગામ લીમડી અને ચિચડીયાના બે વ્યક્તિએ મોબાઇલ ટાવર પર ચડી જઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં એક મહિલા અને યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
મહિલા અને પુરુષે પોતાની માંગણી રજૂ કરી
મળતી માહિતી મુજબ, ઘણાં લાંબા સમયથી આ સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી રહ્યો નથી. તેમના પ્રશ્નો અને માગણીને માળિયે ચડાવી દેવામાં આવી છે. જેથી બે અસરગ્રસ્ત દિનેશ તડવી (ચિચડીયા) અને બબીતા તડવી (નવાગામ લીમડી) બંને એકતાનગરના મોબાઇલ ટાવર પર ચડી ગયા હતા અને અનોખી રીતે પોતાની માગણીઓ રજૂ કરી હતી.
વહીવટી અને પોલીસ તંત્રના જીવ તાળવે ચોંટી ગયા
આવા અનોખા વિરોધ પ્રદર્શનને પગલે વહીવટી અને પોલીસ તંત્રના જીવ તાળવે ચોંટી ગયા હતા. ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તેમને મનાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બંને વ્યક્તિઓએ પોતાની માંગણી મુદ્દે કહ્યું હતું કે, આઠ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં તેમની માગણીઓ સંતોષાઇ નથી. જો તેમની માગણીઓ સંતોષાશે નહી તો તેઓ ટાવર પરથી ઉતરશે નહી.
આ પણ જૂઓ: અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો