“દેશ કી મિટ્ટી કે સાથ પૌધા“ અભિયાન દ્વારા અશોકકુમાર વર્મા અને તેમના પત્નીનો અનોખો સંદેશ, ગુજરાતની માટી રાજ્યપાલના હાથે સ્વીકારી
આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે, ત્યારે પર્યાવરણ બચાવવા અને ખાસ કરીને વૃક્ષારોપણ માટે વધુને વધુ લોકોને પ્રેરિત કરવા આગ્રાના વતની અને મુંબઇ ખાતે એરફોર્સમાં ફરજ બજાવતા અશોકકુમાર વર્માએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેમણે સમગ્ર ભારત દેશની પરિક્રમા કરીને માર્ગમાં આવતા તમામ રાજ્યો, વિવિધ ધર્મના તીર્થસ્થાનો, શહીદ સ્મારકો ખાતેથી માટી એકઠી કરીને, આ એકઠી કરેલી માટીમાં છોડ ઉછેરીને “દેશ કી મિટ્ટી કે સાથ પૌધા“ અભિયાન દ્વારા લોકોને આ છોડ ભેટ કરીને વૃક્ષારોપણ માટે લોકોને પ્રેરિત કરવા નક્કી કર્યુ છે.
મુંબઈથી પરિક્રમાનો પ્રારંભ
આ અભિયાનમાં તેમના ધર્મપત્ની નીતુ વર્માનો પણ પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. ભારત દેશની પરિક્રમા કરીને માટી એકઠી કરવાના નિર્ધાર સાથે એરફોર્સના જવાન અશોકકુમાર અને તેમના ધર્મપત્ની નીતુ વર્માએ પોતાની કારમાં રસોઇ બનાવવાની સામગ્રી અને ટેન્ટ જેવી જરૂરી ચીજવસ્તુઓ સાથે લઇને લગભગ 17 હજાર કિ.મી.ની આ પરિક્રમાનો પ્રારંભ મુંબઇ ખાતેથી તેમના માતા ઓમવતી દેવીના હસ્તે માટી સ્વીકારીને 18મી એપ્રિલ 2022થી કર્યો છે.
રોજનો 600 કિમીનો પ્રવાસ
પરિક્રમાનો તમામ ખર્ચ જાતે ઉઠાવીને દરરોજના 600 કિમી.નો પ્રવાસ કરવાનું નક્કી કર્યું. રસ્તામાં જ્યાં સુવિધા મળી ત્યાં ટેન્ટ બાંધીને રાતવાસો કરતા, જાતે રસોઇ બનાવી ભોજન કરતા. રસ્તામાં આવતા મહત્વના સ્થળો, તીર્થ સ્થળો, વોર મેમોરિયલની મુલાકાત લઇ ત્યાંની માટી સ્થાનિક લોકોના હસ્તે સ્વીકારે તે તેમનો નિત્યક્રમ બની ગયો હતો.
લેહથી લઈને કારગીલની માટી સ્વીકારી
આ યાત્રા દરમિયાન તેઓ લેહ ખાતે દુનિયાના સૌથી ઊંચા સડક-માર્ગ ખારદુંગ-લા પાસ જ્યાં માઇનસ ડીગ્રી ટેમ્પરેચર હોય છે ત્યાં પણ પહોંચ્યા અને ત્યાંથી માટી મેળવી, પેન્ગોંગના સોલ્ટ લેઇક પહોંચીને માટી મેળવી, દ્રાસ સેક્ટરમાં કારગીલ વોર મેમોરિયલ જઇને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને ત્યાંના સ્થાનિક લોકોના હસ્તે માટી સ્વીકારી, વાઘા બોર્ડર પણ ગયા.
ગુજરાતની પવિત્ર ધરાની માટી મેળવી
માર્ગમાં આવતી શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણનો સંદેશો આપી તેમની પાસેથી પણ માટી મેળવી. આ દંપતી પરિક્રમાના અંતિમ પડાવ તરફ આગળ વધતા મુંબઇ પહોંચતા પહેલાં વિશ્વ પર્યાવરણ દિને ગુજરાતના અતિથિ બન્યા હતા. તેમણે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને તેમના હસ્તે ગુજરાતની પવિત્ર ધરાની માટી મેળવી, વૃક્ષારોપણ માટે સમગ્ર જીવન સમર્પિત કરવાનો પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
છોડમાં રણછોડના દર્શન કરવા એ આપણી સંસ્કૃતિ છેઃ રાજ્યપાલ
રાજ્યપાલએ મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે, છોડમાં રણછોડના દર્શન કરવા એ આપણી સંસ્કૃતિ છે. છોડને વાવીને તેને ભગવાન ભરોસે છોડી દેવાથી તેનો ઉછેર થતો નથી. આ પાપકર્મ છે. તેમણે જણાવ્યુ હતું કે, વૃક્ષારોપણ બાદ છોડના વિકાસ માટે પૂરતી કાળજી લેવાય તે પણ જરૂરી છે. રાજ્યપાલએ જન્મદિને અને લગ્નતિથિ જેવા પ્રસંગે વૃક્ષારોપણ કરી, છોડને ઉછેરવાની કાળજી લેવા માટે લોકોને પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
વૃક્ષારોપણ અભિયાન માટે સમર્પિત જીવન
ભારતની પરિક્રમાના વિચાર અંગે જણાવતા અશોકકુમાર વર્મા જણાવે છે, “દેશભક્તિના ભાવથી શરૂ કરેલી આ પરિક્રમાનો ઉદ્દેશ પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.“ દેશની માટી સાથે લોકો જોડાય, પર્યાવરણ રક્ષા અને વૃક્ષારોપણના મહત્વને લોકો સમજે, એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સુદૃઢ થાય તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમે અમારું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી અશોકકુમાર વર્મા અને તેમના પત્ની નીતુ વર્માએ પોતાનું શેષ જીવન વૃક્ષારોપણ અભિયાન માટે સમર્પિત કરવાના નિર્ધારને દોહરાવ્યો હતો.