પાલનપુરની સ્વસ્તિક શાળામાં અનોખો વિદાય કાર્યક્રમ : ઘેરથી બાળકોએ 540 કિલો સુખડી પ્રસાદ રૂપે લાવી નાસ્તો કરાવ્યો
પાલનપુર: પ્રકૃતિનો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે, એને ખબર છે કે જો અસ્ત થઈશ તોજ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે, કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે.
વર્ષો સુધી જ્યાં રોજ સવારે નિયમિત આવતા, રમતાં, ભણતાં અને વિશાળ સંસ્મરણો ભેગાં કર્યા તે શાળાને છોડતાં બાળકોનું હૈયું ભરાઈ આવ્યું. પગ પર જાણે મણ-મણની મણિકા બાંધી હોય તેમ લાગ્યું. અહીં જ એમને સુખના સરવાળા અને દુઃખની બાદબાકી શીખવા મળી હતી. જિંદગીને ખેલદિલીથી જીવવાનો મંત્ર મળ્યો. સુખદુઃખના ભાગીદાર એવા મિત્રો જોવા મળ્યા હતા. એ બધાંને આજે છોડી જવાનું ? આ શાળાની મૂકપ્રેક્ષક બની બેઠેલી પાટલીઓ, બ્લેકબોર્ડ, નોટિસબોર્ડ, પુસ્તકાલય, રમતનું મેદાન, કોમ્પ્યુટર રૂમ, મલ્ટી મીડિયા હોલ, સ્કૂલનું રોજ કઈક નવું શીખવતું સ્ટેજ, આ બધાં જ જાણે કે બાળકોને છેલ્લી વિદાય આપી રહ્યાં છે.
ધોરણ 8, 10 અને 12 ના વિદ્યાર્થીઓનો યોજાયો હતો શુભેચ્છા સમારોહ
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન શ્રી કે. કે. ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા,પાલનપુરમાં ધોરણ 8, 10 અને 12 ના બાળકોનો શુભેચ્છા સમારોહ ઉકરડા આશ્રમના મહંત શ્રી ચીનુભારથી બાપુ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ શુભેચ્છા સમારોહમાં અનોખી રીત એ જોવા મળી હતી જે વિદાય આપતા બાળકો ઘરેથી નાસ્તો બનાવીને શાળામાં લાવ્યા હતા અને વિદાય લેતા ભાઈ બહેનોને જોડે બેસાડીને સમરસતાના ભાવ સાથે નાસ્તો કરાવી પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુરની દીકરીઓએ પણ પોતાની સહકારી મંડળી થકી જાતે નાસ્તો બનાવીને નાના ભાઈ બહેનોને નાસ્તો કરાવીને શુભેચ્છાઓ આપી હતી.
સાથે સાથે શાળા ગુરુજીઓ, આચાર્ય, તેમજ મહેમાન હોય વિદાય લેતા દીકરા – દીકરીઓ ખૂબ આગળ વધે એવા શુભ આશીર્વાદ આપ્યા હતા. શાળાના પ્રમુખ રમેશભાઈ પટેલ એ દીકરા દીકરીઓને આર્શીવાદ આપતા કહ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે દરેક કામ નિષ્ઠા અને નૈતિકતાથી કરજો, પછી જોજો સફળતા તમને શોધતા શોધતા તમારા દ્વાર સુધી આવશે. મુક્ત મને પરીક્ષા આપજો અને સ્વસ્તિકમાં જે સંસ્કાર મળ્યા છે એનું ક્યાંય લાંછન ન આવે તેનું ધ્યાન રાખજો.
આપણે કોઈની લાઈનમાં ઊભા નથી રહેવું, લાઈન આપણી સામે હોવી જોઈએ એવી સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે ભૈરવ ઉપાસક ગિરીશ મહારાજ,તમામ વિભાગના આચાર્ય, સુપરવાઇઝરો ગુરુજીઓ વિશાળ વાલીઓ અને ટ્રસ્ટઓ હાજર રહ્યા હતા. આભારવિધિ શાળાના સફળ સુકાની મણીભાઈ સુથાર દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :74 રૂપિયાના શેરે ‘બિગ બી’ને કરોડપતિ બનાવ્યો, જાણો 5 વર્ષમાં કેટલું વળતર મેળવ્યું