અનોખો અંદાજ : ડીસા ભાજપના ઉમેદવારે જાતે કપમાં ‘ચા’ ભરી લોકોને પીવડાવી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો ગુરુવારે અનોખો પ્રચાર જોવા મળ્યો હતો. ડીસા વિધાનસભા બેઠક ઉપરના ઉમેદવાર પ્રવીણ માળીએ ગુરુવારે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી. જેમાં શહેરના ખેડૂતો અને વ્યાપારીઓને મળીને તેમને ભાજપને મત આપવા અપીલ કરી હતી.
શાકભાજી વેચવા આવતા ખેડૂતો સાથે પણ ચાની ચુસ્કી માણી
પ્રવીણ માળીના આ પ્રચાર દરમિયાન એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો તેમણે ચા ની કીટલી ઉપર જઈને જગમાંથી જાતે જ ચા ના કપ ભરીને લોકોને ગરમા ગરમ મસાલાવાળી ચા પીવડાવી હતી. અને લોકો સાથે ચર્ચા કરતા કરતા ચા ચુસકી પણ માણી હતી. પ્રવીણ માળીનું શહેરમાં ઠેર ઠેર ફુલહારથી પણ સ્વાગત કરવામાં આવતું હતું,
અને લોકો તેમને ઉમળકાભેર વધાવી રહ્યા હતા. તેમણે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા એક શ્રમજીવી સાથે પણ વાતચીત કરી હતી. તેમનું ગુજરાન કેવું ચાલે છે તે અંગે પૂછીને તેમને પડતી સમસ્યા પણ જાણી હતી.
જ્યારે ચૂંટણી પછી સમસ્યાનું સમાધાન કરવાનું પણ આશ્વાસન પૂરું પાડ્યું હતું. ચા પીવડાવવાનો તેમનો આ અંદાજ લોકોને પસંદ આવી ગયો હતો. લોકો તેમની સાથે મોબાઇલમાં સેલ્ફી પણ લઈ રહ્યા હતા.