સુરતીઓએ બનાવ્યો ગરબા-લોચો: ખેલૈયા સાઇકલ પર રમ્યા દાંડિયા
ખાણીપીણીમાં તો સુરતી લોચો પ્રખ્યાત છે, અને સુરતીઓ તેમની વિવિધતા માટે પણ પ્રખ્યાત છે. આ વખતે આ રોમાંચક શહેરના કેટલાક નાગરિકોએ ગરબામાં પણ લોચાનું મિશ્રણ કર્યું છે, અર્થાત રાસ-ગરબામાં કંઇન નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે.
નવરાત્રિ મહોત્સવનો ધૂમધામપૂર્વક પ્રારંભ થઇ ચૂક્યો છે. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબાની પણ ધૂમ જોવા મળી રહી છે. દર વર્ષે ગરબાના શોખીનો નવરાત્રિ દરમિયાન કંઇક અવનવું કરવાનું પ્લાનિંગ કરતા હોય છે. દર વર્ષે કોઇ નવા સ્ટેપ્સ ટ્રેન્ડમાં આવે છે. સુરત શહેરમાં નવરાત્રિના પ્રથમ દિવસે બાઇસિકલ ગરબાનું આયોજન કરાયું હતું. આ અનોખા ગરબામાં ખેલૈયાઓ સાઇકલ પર સવાર થઇને ગરબા અને દાંડિયા રમ્યા હતા.
સુરતમાં સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને રાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવાઈ હતી. નવરાત્રિના પ્રથમ દિવસે આયોજિત આ બાઇસિકલ ગરબામાં ખેલૈયાઓ સાઇકલ લઇને આવ્યા હતા.
#WATCH | Gujarat: Surat District Cricket Association organises 'Bicycle Garba', as celebrations begin on the first day of #Navratri pic.twitter.com/ovflDIXdC7
— ANI (@ANI) October 15, 2023
તમામ ખેલૈયાઓ સાઇકલ પર સવાર થઇને ગરબે ઘૂમ્યા હતા. સાઇકલ સાથે દાંડિયા રાસ પણ રમ્યા હતા. આ ગરબામાં તમામ ઉંમરના ખેલૈયાઓએ ભાગ લીધો હતો. આ અનોખી રીતે ગરબા રમવાની ખેલૈયાઓને મજા પડી ગઇ હતી અને તેની પાછળનો હેતુ હેલ્થને લગતો પણ હતો. તેઓ સાઇકલિંગ માટે લોકોને પ્રેરિત કરવા ઇચ્છતા હતા.
સોશિયલ મીડિયામાં અલગ અલગ અભિપ્રાય
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. લોકોએ તેને અલગ અલગ રિએક્શન્સ પણ આપ્યા હતા. કેટલાકે આ પ્રયાસની પ્રશંસા કરી હતી તો કેટલાકે ટીખળ પણ કરી હતી. એક યુઝરે લખ્યુ છે ‘ગુજ્જુસ એન્ડ ધેર એન્ટિકસ’. તો કોઇકે લખ્યુ છે ‘વોટ નેક્સ્ટ? એરપ્લેન ગરબા?’
આ પણ વાંચોઃ આજે બીજું નોરતું: મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે કરો પૂજા