ભારત ગૌરવ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રતિભાઓને કરી સન્માનિત
- આ ફાઉન્ડેશન 2017થી સમાજને નવી દિશા આપતી ઉત્કૃષ્ટ પ્રતિભાઓને ઓળખ તથા પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યુ છે
નવી દિલ્હી, 20 ડિસેમ્બર: ભારત ગૌરવ પુરસ્કાર સમારંભમાં આજે શુક્રવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ દેશભરમાંથી પસંદગી પામેલી પ્રતિભાઓનુ સમાજ તથા માનવતા માટે તેમની સેવા બદલ સન્માન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન ભારત ગૌરવ એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યુ હતું કે જે 2017થી સમાજને નવી દિશા આપતી ઉત્કૃષ્ટ પ્રતિભાઓને ઓળખ તથા પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યુ છે.
નિમુબેન બાંભણિયાએ સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે, “આ ખૂબ જ ગૌરવની વાત છે કે ફાઉન્ડેશનના માધ્યમથી દેશભરની તેવી હસ્તીઓનુ સન્માન કરવામાં આવી રહ્યુ છે કે જેમણે સમાજના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આવા પ્રયત્નો રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરણા આપે છે તથા યુવાઓને આગળ વધવાની રાહ ચીંધે છે.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત આજે વિશ્વનું પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર છે અને ટુંક સમયમાં જ ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ અગ્રેસર છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ યુવાઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ પર ભાર આપતા શું કહ્યું?
- પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ લાખો યુવાઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા.
- ગ્રામ્ય વિસ્તારોમાં યુવાઓને ઇન્ટર્નશિપ તેમજ કૌશલ વિકાસની નવી તકો પૂરી પાડવામાં આવી રહી છે.
- સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ભારતમાં 1.17 લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી કરવામાં આવી છે.
- ઉચ્ચ શિક્ષણ તેમજ કૌશલ વિકાસ માટે વિશેષ યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત કુમાર ગૌતમ, રાજ્યસભા સાંસદ મહેન્દ્ર ભટ્ટ તથા અન્ય અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પોતાની ઉપસ્થિતિ વડે સમારંભની શોભા વધારી હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ ફાઉન્ડેશન તેમજ પસંદગી સમિતના સભ્યોનો આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સન્માનિત વ્યક્તિત્વોને અભિનંદન આપતા સૌનું આહ્વાન કર્યું હતુ કે, તેઓ વડાપ્રધાનના 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એક થઈ કાર્ય કરે.
આ પણ જૂઓ: CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનનું આયોજન