બિઝનેસ

સુરત SGCCI આયોજિત ત્રિદિવસીય ‘યાર્ન એક્ષ્પો-2022’ને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલવે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

Text To Speech

સુરતઃ સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ મળે અને આ ક્ષેત્રના ઝડપભેર વિકાસ સાથે ઉદ્યોગકારો યાર્ન પ્રોડકશનની અદ્યતન ટેકનોલોજી અપનાવી ઉત્પાદન કરતા થાય તે આશયથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સુરતમાં આયોજિત ત્રિદિવસીય ‘યાર્ન એક્ષ્પો-2022’ને રેલવે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘યાર્ન એક્ષ્પો’-2022માં દેશભરમાંથી 86 થી વધુ એક્ઝિબીટર્સએ સહભાગી થઈને યાર્નથી બનતી વિવિધ ટેક્ષટાઈલ ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા 20 કરોડ તિરંગામાંથી સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીએ 7.5 કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર માટેની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. જ્યારે દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષટાઈલ રિજીયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. અને પીએમ મિત્ર પાર્ક માટે 13 રાજ્યો પણ સહમત થયા છે. આ માટે ગુજરાત અને કર્ણાટક રાજ્યે પોતાના બજેટમાં અલગ ફાળવણી કરી છે. જેમાં ગુજરાતને અનેક રીતે મહત્વપૂર્ણ લાભ મળશે અને રાજ્યના વિકાસને ગતિ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએલઆઇ સ્કીમ અંતર્ગત ભાગ લેનાર 67 લોકોમાં 7 લોકો સુરતના છે. હાલમાં પીએલઆઇ-2 માટેનું પૂર્વ આયોજન થઈ રહ્યું છે, જેમાં અગાઉ રહી ગયેલી ક્ષતિઓને સુધારવામાં આવશે. ભારત સિલ્કમાં વિશ્વમાં બીજા નંબરનું ઉત્પાદક બનવાની શક્યતા પર વાત કરતા મંત્રીશ્રીએ કાપડ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી, પ્રોસેસ ક્ષમતામાં વધારો, ટ્રેનિંગ અને રિસર્ચ વધારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારતીય કાપડ ઉદ્યોગને વૈશ્વિક ફલક પર પ્રમોટ કરવા નવા આઈડિયા અને ટેકનોલોજી પર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રીકરણ કરવા ભાર મૂક્યો હતો.

SGCCI પ્રમુખ હિમાંશુભાઈ બોડાવાલાએ જણાવ્યું કે, ચોથી એડિશનનો ‘યાર્ન એક્ષ્પો’ દેશભરના વિવિધ યાર્ન ઉત્પાદકોની સફળતાની ગાથા ઉજાગર કરી રહ્યો છે. આધુનિક ટેક્નોલોજીથી બનતી યાર્નની વિવિધ વેરાયટીઓ થકી સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળ્યો છે. તાજેતરમાં ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાશલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબરના ઉત્પાદનથી વિશ્વના દેશની નજર હવે ભારતના ટેક્સટાઈલ તરફ વધી રહી છે.

SGCCI yarn Expo 202 02

સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે યાર્ન ઉત્પાદકોને તથા સુરતના વેપારીઓને ચેમ્બરના જીએફઆરઆરસીની મુલાકાત લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહયું હતું કે, હાલ વેસ્ટ પ્લાસ્ટીકમાંથી દાણા બને છે પણ તેમાંથી ફેબ્રિક બને તો હજી સારું થઇ શકે છે. જેથી કરીને સુરત મહાનગરપાલિકાનો વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત પ્રશ્નનું નિરાકરણ થઇ જશે.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે ચાઇના, ભારત, અમેરિકા અને પાકિસ્તાન અનુક્રમે 284,226, 158 અને 115 મેટ્રિક ટન યાર્ન બનાવે છે. આથી સુરતના યાર્ન ઉત્પાદકો ધારે તો ભારતમાં 300 મિલિયન મેટ્રિક ટન યાર્ન આસાનીથી બની જશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશીએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ મંત્રાલયના સહકારને પગલે ઇન્ડસ્ટ્રી ઘણું સારું કામ કરી રહી છે. ટેકસટાઇલ ક્ષેત્રે હવે ગારમેન્ટીંગ કેપેસિટી વધારવાની છે. તેમણે વડાપ્રધાન દ્વારા ફાયબર ટુ ફેશન માટે જે સપનું જોયું છે તેને સાર્થક કરવાની દિશામાં પ્રયાસ કરવાનો છે.

SGCCI yarn Expo 202 01

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથે જણાવ્યું હતું કે, ચાઇના પ્લસ વનનો એડવાન્ટેજ લેવાનો છે. આથી સુરતના વેપારીઓ માટે વિશાળ તક છે અને રિલાયન્સ દરેક મદદ કરવા તૈયાર છે. તેમણે કહયું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સે સુરતની ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવાની દિશામાં તથા યાર્ન એકસ્પો થકી બ્રાન્ડ ક્રિએટ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે.

યાર્ન એકસ્પોના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે યાર્ન એકઝીબીશનમાં કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ ઉપરાંત વિશિષ્ટ યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, સિરો ઇમ્પેકટ યાર્ન, ગ્રેનાઇટ યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન, સ્પોર્ટ્‌સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન પ્રદર્શન માટે મૂકાયા છે.

Back to top button