રશિયા અને યુક્રેન યુધ્ધ વચ્ચે દુનિયાભરના દેશો પર અમેરિકાનુ દબાણ છે કે, રશિયા સાથે વેપાર કરવામાં ના આવે.
જોકે ભારત આ મામલે પહેલેથી જ અમેરિકાના વિરોધમાં છે અને ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંગ પુરીએ અમેરિકન મીડિયા સમક્ષ સ્પષ્ટપણે કહ્યુ છે કે, ભારત દુનિયાની પાંચમી મોટી ઈકોનોમી છે.અમારા પર કોઈ દબાણ નથી અને ભારત પોતાના હિતમાં નિર્ણય લેવા માટે સક્ષમ છે. દેશના 1.3 અબજ લોકોની ઉર્જાની જરૂરિયાત પૂરી કરવી તે ભારત સરકારની જવાબદારી છે. સરકારે દેશમાં પેટ્રોલના ભાવમાં વધારો ના થાય તે બાબતનુ ધ્યાન રાખ્યું છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારત કોઈ દેશને ધ્યાનમાં રાખીને ક્રૂડ ઓઈલ નથી ખરીદતુ બલ્કે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયાત કરે છે. આ સંજોગોમાં રશિયા પાસેથી વધારે ઓઈલ ખરીદવાનો દેશને કોઈ અફસોસ નથી.
એક ચેનલના ઈન્ટરવ્યૂ દરમિયાન હરદીપ સિંહ પુરીએ કહ્યુ હતું કે, જો સરખામણી કરવામાં આવે તો યુરોપ એક બપોર દરમિયાન રશિયા પાસે જેટલુ ઓઈલ ખરીદે છે તે તેનુ એક જ તૃતિયાંશ ઓઈલ ભારત દર મહિને રશિયા પાસેથી આયાત કરી રહ્યુ છે અને રશિયા પાસેથી ભારત પોતાની જરૂરિયાતના માત્ર 0.2 ટકા ઓઈલની ખરીદી કરી રહ્યુ છે. જ્યારે મોટાભાગનુ તેલ અમે ઈરાકથી ખરીદયુ છે.