વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અનુરોધ કરતા કેન્દ્રીય મંત્રી CR પાટીલ
- સુરતમાં યોજાયેલા રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમમાં નિવેદન
- વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપવા અનુરોધ
સુરત, 30 ઓગસ્ટ : કેન્દ્રીય જળશકિત મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના મંત્રીઓ, પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ ‘કેચ ધ રેઈન’, રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
મેરિડીયન હોટલ ખાતે જળશકિત મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ સૌને સાથે મળીને વરસાદરૂપી અમૃતના એક એક ટીપાને જમીનમાં સગ્રહ કરવા માટેના ભગીરથ કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘કેચ ધ રેઈન’ના ધ્યેય સાથે જનભાગીદારીથી વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવાના સામૂહિક કાર્યનો આરંભ થઈ ચૂકયો છે.
આપણા ઘર, મહોલ્લા, ગામ, શેરીઓ સુધી આ અભિયાનને લઈ જવાની હાંકલ કરતા તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં રાજયનું ૬૫ ટકા પાણી રહેલું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ૨૦ નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સાથે મળીને ભૂગર્ભ જળસંગ્રહના હેતુ સાથે ૨૪,૮૦૦ બોર કરવા જઈ રહ્યા છીએ. જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે.
વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વની ૧૮ ટકા વસ્તી અને પશુધન ભારતમાં છે, જયારે પાણી માત્ર ચાર ટકા છે. આ ચાર ટકા પાણીનું વ્યવસ્થિત પ્લાનીંગ કરીશું તો ભવિષ્યમાં પાણીની સમસ્યા નહી રહે. પહેલાના સમયમાં લોકો પાણીની પરબ બંધાવતા હતા, જેથી તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આગામી તા.૬ઠ્ઠીએ રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગેનો કાર્યક્રમ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતના આંગણે થનાર છે, જેમાં પણ મોટી સંખ્યામાં સૌને હાજર રહેવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધવલ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, દ.ગુજરાતના સુરત સહિત નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના ધારાસભ્યો, કલેકટરો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનજાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.