કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ આવશે ગુજરાતની મુલાકાતે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 14-15 ઓક્ટોબરે ગુજરાતમાં
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ ક્રિકેટ મેચ નિહાળે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 14 અને 15 ઓક્ટોબરે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ આગામી 14મી ઓક્ટોબરે યોજાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ ક્રિકેટ મેચ નિહાળે તેવી શક્યતા રહેલી છે. વનડે વર્લ્ડકપની આ મેચ જોવા અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે અને ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.
ગૃહમંત્રી અમિત શાહ નિહાળી શકે છે ભારત-પાકિસ્તાન મેચ
મળતા અહેવાલો મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 14 અને 15 ઓક્ટોબરે બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. જે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરે યોજાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચને નિહાળી શકે છે તેમજ આ મુલાકાત દરમિયાન અમિત શાહ ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરાશે અને પહેલા નોરતે અમિત શાહ માણસામાં પોતાના કુળદેવીના દર્શને જશે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરશે તેમજ પોતાના લોકસભા વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભારતે રવિવારે(8 ઓક્ટોબરે) ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે તેના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરી હતી. ભારત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરે ટકરાશે. 14 ઑક્ટોબરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન સજ્જ બન્યુ છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવાશે.
આ પણ વાંચો :અમદાવાદમાં રમાનારી IND VS PAKની મેચ અંગે CMએ સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી