ગુજરાતમાં નેતાઓનો મેળવડો જામી રહ્યો છે. હજુ તો ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ પણ જાહેર નથી કરવામાં આવી ત્યાં જ બધી પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રસ નેતા રાહુલ ગાંધી સહિતના દિગ્ગજો ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. ત્યારે આજે ફરી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસીય સમારોહમાં 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ અધિકારીઓ ભાગ લેશે. અમિત શાહ સવારે 9 કલાકે શહેરના નવા વાડજ વિસ્તારની મ્યુનસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાની મુલાકાત લેશે. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત થલતેજ અનુપમ શાળા સહિત 3 અને એક ગાંધીનગરની સ્માર્ટ શાળાની શરૂઆત કરાવશે.
સવારે 9 કલાકે સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન. અમદાવાદ, ગાંધીનગરને 4 સ્માર્ટ સ્કૂલની ભેટ આપશે. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત થલતેજ અનુપમ શાળા સહિત 3 અને એક ગાંધીનગરની સ્માર્ટ શાળાની શરૂઆત કરાવશે. સવારે 11 કલાકે ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યૂટી મીટમાં હજરી આપશે. સાંજે 7 કલાકે, ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયામાં 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપીને 11માં ખેલમહાકુંભનો સમાપન કરાવશે. આ સાથે 36મી નેશનલ ગેઈમ્સનુ એન્થમનું લોન્ચિંગ કરશે. ગુજરાતના 4 પેરા-ઍથ્લેટ્સનું સન્માન કરાશે તેમજ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે.
રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઈમ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20000 જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લોન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે યોજાશે. ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા 11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મી માર્ચ, 2022ના રોજ 11મા ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક 55 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 11મા ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની રકમ એનાયત કરાશે અને 11 મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે. તો સાથે સાથે ગુજરાતના પેરા-એથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા-એથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથોસાથ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાશે.