ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

અમદાવાદ, 21 જૂનઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે, યોગ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે. યોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા વૈશ્વિક ચેતનાનો વિષય બનાવ્યો છે. આજે સમગ્ર વિશ્વ માત્ર યોગ દિવસની જ ઉજવણી નથી કરી રહ્યું, પરંતુ યોગને દૈનિક જીવનશૈલીનું એક અભિન્ન અંગ પણ માની રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે ભારત સહિત 177 દેશમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં આયોજિત યોગાભ્યાસ કાર્યક્રમમાં સામેલ થયા હતા, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. એ જ રીતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠામાં સરહદે આવેલા નડાબેટ ખાતે યોગાભ્યાસ કર્યો હતો.

નડાબેટ ખાતે આયોજિત યોગ દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, એ આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ યોગના માહાત્મ્ય વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહિ, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ મંત્રી ભાનુબેન બાબરિયાના નેતૃત્વમાં ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણી

Back to top button