કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સુરતમાં કેન્સર હોસ્પિટલ અને સેનેટોરિયમનું ઉદઘાટન કરાયું

સુરત, 23 જાન્યુઆરી : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે અમિત શાહે જણાવ્યું હતું કે, આજે સુરતને બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદ ભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમ સ્વરૂપે શ્રેષ્ઠતમ સુવિધાઓ ધરાવતી તબીબી સંસ્થાઓ મળી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંસ્થાઓમાં કેન્સરની સારવાર માટે લોકોને એક જ છત નીચે તમામ અત્યાધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, સુરત મહત્ત્વપૂર્ણ શહેર છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં આ શહેરમાં અનેક ઉદ્યોગો સ્થપાયાં છે. તેમણે જણાવ્યું હતું કે, સુરત માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતનું આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયેલા શહેરમાં તેની વસ્તી વધે તે સ્વાભાવિક છે, પરંતુ વસ્તીમાં વધારો થવા છતાં સુરતે સ્વચ્છતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, સુરતમાં અનેક નવી હોસ્પિટલો, ખાસ કરીને સરકારી હોસ્પિટલોનાં નિર્માણને કારણે તબીબી સુવિધાઓમાં વધારો થયો છે અને સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક હબ તરીકે સુરત પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આશરે રૂ. 250 કરોડનાં ખર્ચે નિર્મિત અને 110 પથારીની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ કેન્સરની સારવારનું મોટું કેન્દ્ર બનશે, જે ઓછી આવક ધરાવતાં જૂથનાં દર્દીઓને પણ સેવા પૂરી પાડશે.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની સાથે સાથે અલગ કિમોથેરાપી યુનિટ, આઇસોલેશન બેડ, હાઇટેક ઓપરેશન થિયેટર, રેડિએશન થેરાપી, કેન્સરને લગતી સર્જરી, બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, રિહેબિલિટેશન સહિતની અન્ય ઘણી અત્યાધુનિક સારવાર સુવિધાઓ આ નવી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે સુરત શહેર કેન્સરની સારવાર ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારીયા સેનેટોરિયમમાં સામાન્ય જનતા માટે તબીબી સુવિધાવાળા ૩૬ ઓરડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જેમને કેન્સરની સારવાર માટે મુંબઈ અને અમદાવાદ જવું પડતું હતું તેઓ હવે પોતાના જ શહેરની સુસજ્જ હોસ્પિટલમાં અસરકારક સારવાર મેળવી શકશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટીએ વર્ષ 1978થી મહાવીર જનરલ હોસ્પિટલ, બી.ડી. મહેતા આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, આર.બી.શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, લક્ષ્મીપતિ મહાવીર નર્સિંગ સ્કૂલ અને હવે બી.આર.શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ સ્વરૂપે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત શ્રેણીબદ્ધ સંસ્થાઓની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે, નવી હોસ્પિટલ મા- કાર્ડ અને આયુષ્માન કાર્ડથી ગરીબોને સારવારની સુવિધા પ્રદાન કરશે.
આ પણ વાંચો :- ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં વિદેશી રોકાણમાં થયો અધધધ વધારો, આંકડા આવ્યા સામે