કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી અમિતભાઈ શાહ સૌરાષ્ટ્ર આવશે, અમરેલીમાં યોજાશે આ કાર્યક્રમ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. એક બાદ એક નેતાઓની અવર જવર શરૂ થઈ ગઈ છે. આવતા બે દિવસમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રવાસ થવાનો છે. ત્યારે ગૃહમંત્રી અને સહકારી મંત્રી બન્યા પછી અમિતભાઇ શાહ પ્રથમ વખત જ 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. તેઓ એક કાર્યક્રમ માટે અમરેલી આવી રહ્યા છે.
ગૃહમંત્રી દેશના સૌથી મોટા હની પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરશે : દિલીપ સંઘાણી
તેઓ દેશના સૌથી મોટા હની પ્લાન્ટ તેમજ આઈસ્ક્રીમના પ્લાન્ટનું લોકાર્પણ કરશે અને જિલ્લાની સહકારી સંસ્થાઓને સહકાર મંત્રી તરીકે સંબોધન પણ કરશે. આ અંગે અમરેલી ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, દેશમાં પ્રથમ વખત જ જિલ્લાની તમામ મોટી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા એક જ મંચ પર જાહેરમાં મળે તેવી શરૂઆત અમરેલીએ કરી હતી અને તેમાં દર વખતે કેન્દ્ર કે રાજ્યના મંત્રીઓને બોલાવવાનો પણ ક્રમ રહ્યો છે. આ વખતે પ્રથમ વખત જ સહકારી મંત્રાલયની રચના કરાયા પછી અને કેન્દ્રીય સહકાર મંત્રી તરીકેનો હવાલો સંભાળ્યા પછી ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.11 સપ્ટેમ્બરના રોજ અમરેલી આવી રહ્યા છે. અમરેલી નજીક અમર ડેરી ખાતે યોજાનારા સહકારી સંમેલનમાં તેઓ હાજરી આપશે અને તેમના હાથે દેશના સૌથી મોટા હની પ્લાન્ટ તથા આઈસ્ક્રીમના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હની પ્લાન્ટ અને આઈસ્ક્રીમ પ્લાન્ટનું ભૂમિપૂજન 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોનાકાળ બાદ તે હવે સાકાર થઈ રહ્યું છે.
અમરેલીને રૂ.48 કરોડના નવા અમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેકટને મંજૂરી આપશે
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા અમરેલીમાં દેશના બીજા અને ગુજરાતના પ્રથમ પશુઓના અમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેકટને પણ મંજૂરી આપવામાં આવી છે જે માટે રૂ.48 કરોડના ભંડોળ અને પ્રોજેકટની અમિત શાહ દ્વારા જાહેરાત કરવામાં આવશે. ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહના અમરેલીમાં સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ બેઠકમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ભાવના ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.