- કાલે શુક્રવારે રાત્રે જામનગર આવશે અને રાત્રી રોકાણ કરશે
- શનિવારે દેવભૂમિ દ્વારકા ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી
- શનિ – રવિવારે અમદાવાદ – ગાંધીનગર ખાતે લોકાર્પણ – શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન
કેન્દ્રના ગૃહ તથા સહકારી મંત્રી અમિત શાહ આગામી તા. 20 મીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે. જેના માટે તેઓ શુક્રવાર તા. 19 મેના રોજ બીએસએફના હવાઈ જહાજ મારફતે જામનગર આવશે અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરી અને સવારે સ્થાનિક આગેવાનો, કાર્યકરોને મળીને દ્વારકા માટે રવાના થશે. દ્વારકામાં તેઓ રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડ ખાતે તેઓ ઉતરશે. જ્યાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો તથા કાર્યકરો તેમનું સ્વાગત કરશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તેઓ અમદાવાદ ખાતે પહોંચશે ત્યારબાદ રવિવારે તેમના અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમો યોજાશે.
દ્વારકામાં શું કાર્યક્રમ છે ?
અમિત શાહ દ્વારકામાં શંકરાચાર્ય સહજાનંદ સરસ્વતીની શારદાપીઠની મુલાકાત લઈ અને દ્વારકાધીશ મંદિરે દર્શન કરશે. આ ઉપરાંત નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસના સ્થળની મુલાકાત લઇ અને તેઓ દ્વારકાના મોજપ ગામે ભાજપ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમ સ્થળે જશે. અહીં એન.એ.સી.પી.નો શિલાન્યાસ કાર્યક્રમ કરીને બપોરે આશરે પોણા ચાર વાગ્યે હેલીપેડ મારફતે જામનગર મથકેથી વિમાનમાં જવા રવાના થનાર હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગરમાં 400 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ગાંધીનગર કોર્પોરેશનના 400 કરોડના કામોનું ખાતૂમૂહૂર્ત-લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. શનિવારે સાંજે 5-30 વાગ્યે સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે. જેમાં સેક્ટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર ખાતે પાર્કિંગનું નવીનીકરણ, સેક્ટર 11, 17, 21 અને 22ના આંતરિક રોડને ચારમાર્ગીય કરવાની કામગીરી અને વિવિધ સ્થાન પર સોલાર રૂફટોપ સીસ્ટમ અને સોલાર ટ્રી મુકવાની કામગીરીનું લોકાર્પણ કરાશે. બીજી તરફ રોડ નંબર-6 પર રેલવે ઓવર બ્રિજ બનાવવાની કામગીરીનું ખાત મૂહૂર્ત થશે.
રોડ નં-6 પર રેવલે ઓવરબ્રિજ, વાવોલમાં તળાવ ડેવલપ કરાશે
રાંધેજા અને પેથાપુર વિસ્તારમાં નવા સ્મશાનગૃહ તથા હયાત સ્મશાનના રીનોવેશનની કામગીરી, મનપાના અધિકારીઓ-કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટર્સ બનાવવાની કામગીરી, વાવોલ મહાકાળી ટેમ્પલ ખાતે તળાવ ડેવલપમેન્ટની કામગીરી, સેક્ટર-2, 24 અને 29ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફર્નિચરની કામગીરી, સેક્ટર-26માં બગીચાની રીનોવેશનની કામગીરી, સેક્ટર-30 અને બોરીજ ગામમાં બગીચાઓની રીનોવેશનની કામગીરી, સેક્ટર-1 (ગાયત્રી મંદિર ),સેક્ટર-3એ કોર્નર, સેક્ટર-21 (અપના બજાર ), સેક્ટર-21 (પંચશીલ સોસાયટી), સેક્ટર-23 (વિરાટનગર) બગીચાઓની રીનોવેશનની કામગીરીનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે. ચરેડી હેડવર્ક ખાતે નવીન વોટર ડિસ્ટ્રીબ્યુશનના નિર્માણની કામગીરી, ધોળાકૂવા ગામ ખાતે આર. સી. સી. રોડ અને પાણીની મેઇન લાઈન નાખવાની કામગીરી, વિવિધ સેક્ટરમાં કમ્પાઉન્ડ વોલ માટેની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સેક્ટર-26 કિશાનનગર ખાતે સી. સી. રોડ તથા સ્ટ્રોમ વોટરની કામગીરી, પેથાપુર ખાતે 15 એમ.એલ.ડી.નો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરીની શરૂઆત કરાશે.