વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટે ભારત અને ગયાના વચ્ચે હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી હતી. આ કરારથી બંને દેશો વચ્ચે ફ્લાઇટ સેવાનો માર્ગ મોકળો થશે. બંને દેશો વચ્ચે રાજદ્વારી નોંધની આપ-લે બાદ આ કરાર સંપૂર્ણ અમલમાં આવશે.
ગયાનામાં 40 ટકા વસ્તી ભારતીયોની
બુધવારે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે ગયાના સાથે હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવાથી બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓની જોગવાઈ માટે એક માળખું બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2012ની વસ્તીગણતરી અનુસાર, ગયાનામાં ભારતીયોની મોટી વસ્તી છે અને તે સૌથી મોટો વંશીય જૂથ છે, જેમાં લગભગ 40 ટકા વસ્તી છે.
બંને દેશોના લોકોમાં ઉત્સાહ
ભારત અને ગયાના વચ્ચેનો આ કરાર બંને દેશો વચ્ચે હવાઈ સંચાલન માટે કાનૂની માળખું પૂરું પાડે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતનો લગભગ 110 દેશો સાથે એર સર્વિસ એગ્રીમેન્ટ છે. આગામી દિવસોમાં ગયાના સાથે વ્યવહાર શરૂ થવાનો છે. જેના પગલે ભારતીયો અને ગયાનાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.