અમદાવાદ, 23 જુલાઈ 2024, આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા દેશનું આગામી વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ડો. મનીષ દોશીએ આ બજેટને દેશના યુવાનો સાથે છેતરપિંડી કરતું બજેટ હોવાનું જણાવ્યું છે. તેમણે 10 વર્ષથી બેરોજગારીની ભેટ આપનાર બજેટ હોવાનું કેન્દ્રની ભાજપ સરકાર ઉપર દેશના સળગતા મુદ્દાઓને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.
30 લાખ કેન્દ્ર સરકારમાં ખાલી પદ છતાં ભરતી નહીં
કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને જણાવ્યું હતું કે નાગરિકોના આર્થિક જીવનને બધહાલી તરફ ધકેલી જનાર ભાજપે પણ સ્વીકાર્યું છે કે બેરોજગારી આજે આર્થિક સંકટ છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ ખાલી પદ પડ્યા છે તેની કોઈ પણ પ્રકારની ભરતી કરવાની જાહેરાત આ બજેટમાં નથી કરાઈ, ગુજરાતમાં ઉદ્યોગો જેવા કે ઘડિયાળ ટેક્સટાઇલ, ટેક્સટાઇલ મશીનરી, ફાર્માસ્ટીકલ મશીનરી, નાના ઉદ્યોગો માટે સરકાર આ બજેટમાં એક શબ્દ પણ નથી બોલી, સરકાર અસંગઠિત ક્ષેત્રો તકલીફમાં આવે અથવા તેમને બોજારૂપ થાય તેવા નિર્ણયો લઈ રહી છે. જૂની પેન્શન યોજના માટે સરકાર એક શબ્દ નથી બોલી, મનરેગા યોજના માટે ગંભીરતાથી આ બજેટમાં કોઈ જોગવાઈ નથી કરી.
આ બજેટને કારણે શેર બજારમાં મોટો કડાકો આવ્યો
પ્રવક્તા દોશીએ ઉમેર્યું હતું કે સ્માર્ટ સિટી કે ગામના બદલાવનો કોઈ ઉલ્લેખ નથી, વન નેશન મલ્ટી ટેપ માટે લૂંટનો કારોબાર કર્યો, દેશના સ્ટાર્ટ અપની હાલત આજે કયા લેવલ ઉપર છે એ સૌ કોઈ જાણે છે કેટલી માત્રામાં દેશના સ્ટાર્ટઅપ આજે દિવસેને દિવસે બંધ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ રાજ્યસભામાં કહ્યું આ બજેટને કારણે શેર બજારમાં મોટો કડાકો આવ્યો, 10 જુદી જુદી યોજનાઓ બંધ કરી દેવામાં આવી.ગુજરાતની જરૂરિયાતોને પૂરી કરવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા બજેટમાં નથી. ચૂંટણી પ્રચારમાં સુરક્ષાની વાતો કરવી પરંતુ ડિફેન્સને નબળું કરવાનું કામ ભાજપે કર્યું છે. રોજગાર માટે રોડ મેપ નથી અને રેલવેનાં ખાનગીકરણ કરવાનું પાપ કેન્દ્રની NDA સરકાર કરવા જઈ રહી છે.જેવા ગંભીર આક્ષેપો રજૂ કરાયેલા બજેટ અને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃકેન્દ્રીય બજેટમાં ગુજરાતની MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફાયદો, ટેક્સટાઈલને નિરાશા