કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું હતું. આ બજેટમાં તમામ વર્ગને ધ્યાનમાં રાખીને અનેક જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આ બજેટમાં યુવાનોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે આ કેન્દ્રિય બજેટમાં શિક્ષણ ક્ષેત્રને અત્યાર સુધીનો સૌથી મોટો હિસ્સો આપવામાં આવ્યો છે. આ વર્ષનું શિક્ષણ બજેટ 1.12 લાખ કરોડ રૂપિયાનું છે. ત્યારે નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં યુવાનો માટે ઘણી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું હતું કે, તેમનું બજેટ રોજગારીનું સર્જન કરતી યોજનાઓ પર કેન્દ્રિત છે.
યુવાનોને પર્યટનમાં નોકરી આપવામાં આવશે
સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહી છે. આ માટે ‘દેખો અપના દેશ’ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આના માધ્યમથી યુવાનોને પર્યટનમાં નોકરી આપવાની યોજના છે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : બજેટમાં મહિલાઓને વિશેષ ભેટ, જાણો શું મળ્યું ?
કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાશે
નાણામંત્રીએ કૃષિ ક્ષેત્રમાં પણ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટેની જાહેરાત કરી છે. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ક્ષેત્રમાં રિસર્ચ અને નોકરીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
મેડિકલમાં કરિયર બનાવતા યુવાનોને મળશે આ લાભ
મેડિકલમાં કરિયર બનાવવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. દેશમાં 157 નવી નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે. આનું સંચાલન 157મેડિકલ કોલેજો સાથે કરવામાં આવશે. જેથી મેડિકલમાં અભ્યાસ કરી યુવાનો સારી નોકરી મેળવી શકશે. આઈસીએમઆર લેબ લોકો માટે ખોલવામાં આવશે. આઈસીએમઆર લેબ્સમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની મેડિકલ ફેકલ્ટી, ખાનગી ક્ષેત્રની રિસર્ચ ટીમોને સંશોધન કરવા માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તબીબી ઉપકરણોના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે એન્જિનિયરિંગ અને મેડિકલ સેક્ટરમાં ડેડિકેટેડ મલ્ટિડિસિપ્લિનરી કોર્સ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : એજ્યુકેશન ક્ષેત્રમાં શું આવ્યું નવું ?
નવા શિક્ષકોની નિમણૂક કરાશે
આગામી 3 વર્ષમાં એકલવ્ય શાળાઓમાં 38,800 શિક્ષકો અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ કેન્દ્ર સરકાર કરશે. તેમજ શિક્ષકોને તાલીમ આપવાની રીત બદલાશે. નવીન શિક્ષણશાસ્ત્ર, આઈસીટી, ટેકનોલોજી વગેરેની મદદથી ભારતમાં શિક્ષક તાલીમમાં સુધારો થશે. આ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાને સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
એઆઈ માટે 3 કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે
ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) માટે 3 કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. અને તેને દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવશે. એન્જિનિયરિંગ કોલેજોમાં 5 જીનો ઉપયોગ કરીને એપ્લિકેશનો વિકસાવવા માટે 100 લેબ્સ બનાવવામાં આવશે.
યુવાનોને સ્કિલ અને જોબ ટ્રેનિંગ આપવામાં આવશે
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપથી આગામી 3 વર્ષમાં લાખો યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. જોબ ટ્રેનિંગ પણ મળશે. આ યોજનામાં કોડિંગ, એઆઈ, રોબોટિક્સ, મેકેટ્રોનિક્સ, આઇઓટી, 3ડી પ્રિન્ટિંગ, ડ્રોન અને અન્ય સોફ્ટ સ્કિલ્સ જેવા નવા યુગના અભ્યાસક્રમોને આવરી લેવામાં આવશે. અને યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર્સ સ્થાપવામાં આવશે.
આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023 : ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને KYC પ્રક્રિયાને બનાવાશે સરળ