ઉત્તરાખંડ વિધાનસભામાં આજે રજૂ થશે યુનિફોર્મ સિવિલ કોડ બિલ, કડક સુરક્ષા વ્યવસ્થા
- માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો UCCની રાહ જોઈ રહ્યા છે : CM
દેહરાદુન, 6 ફેબ્રુઆરી: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર બિલ લાવવા માટે ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે શરૂ થયું છે. આ બિલ આજે સત્રના બીજા દિવસે રજૂ કરવામાં આવશે. આ સત્રને લઈને રાજધાની દેહરાદૂન સહિત સમગ્ર ઉત્તરાખંડમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. આ બિલને ગૃહમાં પસાર કરવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે. સમાન નાગરિક સંહિતાએ સામાજિક બાબતોથી સંબંધિત કાયદો છે જે લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસો અને બાળક દત્તક વગેરે જેવી બાબતોમાં તમામ ધર્મના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. આમાં, વિવિધ સંપ્રદાયો માટે જુદા-જુદા નાગરિક કાયદાને બદલે, ‘યુનિફોર્મ સિવિલ કોડ’નું પાલન કરવામાં આવે છે.
Uttarakhand CM Pushkar Singh Dhami to present the Uniform Civil Code Uttarakhand 2024 Bill in the State Assembly today.
(file pic) pic.twitter.com/HGWw9VF3hD
— ANI (@ANI) February 6, 2024
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શું કહ્યું ?
સોમવારે સત્રની શરૂઆત પહેલા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, “સમાન નાગરિક સંહિતા તમામ વર્ગો માટે સારું રહેશે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે અન્ય રાજકીય પક્ષોના સભ્યોને પણ ગૃહમાં સકારાત્મક રીતે બિલ પર ચર્ચા કરવા વિનંતી કરી હતી.” મુખ્યમંત્રીએ કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ અને સબકા વિશ્વાસ’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સપનાને સાકાર કરવામાં આ મદદરૂપ થશે. તેમની પાર્ટીએ છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન યુસીસીને જનતા સમક્ષ લાવવાનો સંકલ્પ કર્યો હતો. માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો UCCની રાહ જોઈ રહ્યા છે.”
રાજ્ય કેબિનેટે રવિવારે UCC ડ્રાફ્ટને સ્વીકાર્યો
મુખ્યમંત્રીએ કહ્યું કે, “આખો દેશ ઉત્તરાખંડ તરફ જોઈ રહ્યો છે. ઉત્તરાખંડ માટે આ યુગ-નિર્માણનો સમય છે. આખા દેશની નજર એ જોવા પર છે કે બિલ કેવી રીતે આવે છે અને કેવા પ્રકારની ચર્ચા થાય છે.” રાજ્ય કેબિનેટે રવિવારે UCC ડ્રાફ્ટને સ્વીકારી લીધો હતો અને મંગળવારે, 6 ફેબ્રુઆરીએ તેને બિલના રૂપમાં ગૃહના ટેબલ પર મૂકવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની પાંચ સભ્યોની સમિતિ દ્વારા શુક્રવારે ચાર ભાગમાં 740 પાનાનો આ ડ્રાફ્ટ મુખ્ય પ્રધાનને સુપરત કરવામાં આવ્યો હતો.
ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા આપવામાં આવેલા મુખ્ય વચનોમાં UCC એક
વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા જનતાને આપવામાં આવેલા મુખ્ય વચનોમાંથી એક UCC પર એક કાયદો બનાવવા અને તેને રાજ્યમાં લાગુ કરવાનો હતો. ઉત્તરાખંડમાં સતત બીજી વખત જીત મેળવીને ઈતિહાસ રચ્યા બાદ, ભાજપે માર્ચ 2022માં સરકારની રચના પછી તરત જ કેબિનેટની પ્રથમ બેઠકમાં UCCનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચનાને મંજૂરી આપી હતી. કાયદાના અમલીકરણ પછી, ઉત્તરાખંડ આઝાદી પછી UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. UCC ગોવામાં પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે.
UCC હેઠળ, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન, મિલકત અને વારસા અંગેના સમાન કાયદા રાજ્યના તમામ નાગરિકોને લાગુ પડશે, પછી ભલે તેઓ કોઈપણ ધર્મના હોય. બીજી તરફ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે જણાવ્યું હતું કે, “સમગ્ર રાજ્યમાં પોલીસ દળને એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ સંભવિત અપ્રિય પરિસ્થિતિનો સામનો કરી શકાય.”
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં UCCની પ્રક્રિયા શરૂઃ કાયદાનો ડ્રાફ્ટ CM ધામીને સોંપાયો, જાણો તેની જોગવાઇઓ