નવી દિલ્હી, 24 ઓગસ્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય વિશે માહિતી આપી હતી. વૈષ્ણવે કહ્યું કે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમથી 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.
આ યોજના હેઠળ, જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કર્યું હોય, તો નિવૃત્તિ પહેલા નોકરીના છેલ્લા 12 મહિનાના મૂળ પગારના 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવશે. સરકારી કર્મચારીઓને 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ 10,000 રૂપિયાનું પેન્શન મળશે. જૂની અને નવી પેન્શન યોજનાના સ્થાને યુનિફાઇડ પેન્શન સ્કીમ લાવવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એ નક્કી કરવાનો અધિકાર હશે કે નવી પેન્શન સ્કીમ (NPS)માં રહેવું કે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS)માં જોડાવું. મંત્રીએ વધુમાં કહ્યું કે સરકારી કર્મચારીઓએ રાષ્ટ્રીય પેન્શન યોજનામાં કેટલાક ફેરફારોની માંગ કરી છે. આ માટે વડાપ્રધાન મોદીએ કેબિનેટ સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
આ સમિતિએ વિવિધ સંસ્થાઓ અને લગભગ તમામ રાજ્યો સાથે 100 થી વધુ બેઠકો યોજી હતી. વડાપ્રધાન મોદી અને વિપક્ષની કામ કરવાની રીતમાં ઘણો ફરક છે. વિપક્ષોથી વિપરીત પીએમ મોદી ચર્ચામાં વધુ માને છે. ભારતીય રિઝર્વ બેંક અને વિશ્વ બેંક સહિત દરેક સાથે ચર્ચા કર્યા બાદ સમિતિએ યુનિફાઇડ પેન્શન સ્કીમની ભલામણ કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટે આ યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે અને તે ભવિષ્યમાં લાગુ કરવામાં આવશે.