ગુજરાત
પાલનપુરમાં સોના-ચાંદીના વેપારી પર અજાણ્યા શખ્સોએ લાકડી-ધોકાથી હુમલો કર્યો, ચોકસી બજારમા ફફડાટ


પાલનપુરના હાર્દસમા બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં રાતના સમયે સોના-ચાંદીના વેપારી પર હુમલો થયો હતો. જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ લાકડી -ધોકાથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં દુકાન ધરાવતા અને સોના -ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા જીતેન્દ્ર અગ્રવાલ રાત્રે પોતાની દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન બ્રિજેશ્વર કોલોની પહોંચતા બાઈક પર મોઢું બાંધીને આવેલા કેટલાક અજાણ્યા શખ્સઓએ લાકડી અને ધોકા વડે હુમલો કરતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પૂર્વ પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.