અમારા કમનસીબે 15 સીટ પર 5 લાખની લીડનો ટાર્ગેટ અધૂરો રહ્યોઃ સી.આર.પાટીલ
અમદાવાદ, 4 જૂન 2024,ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપે 26 બેઠકો પર પાંચ લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ભાજપના દરેક પેજ પ્રમુખને આ ટાર્ગેટ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટમાં રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનને કારણે મતદાન ઓછું થયું હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં આ વખતે ગુજરાતમાં ભાજપની હેટ્રિક અટકી છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત મેળવતાં ભાજપની ક્લિન સ્વીપ અને ક્ષત્રિય આંદોલનને કારણે પાંચ લાખની લીડનો ટાર્ગેટ તૂટી ગયો છે.
બનાસકાંઠાના મતદારોની નારાજગી હશે એટલે અમે જીતી શક્યા નથી
પરિણામોના છેલ્લા રાઉન્ડ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી છે. 2 બેઠક 7 લાખની લીડથી જીત્યા છીએ. કમનસીબે અમે ગુજરાતમાં તમામ સીટ જીતી શક્યા નહીં. અમે 24 સીટ બહુમતીથી જીત્યા છીએ. ઓછા માર્જિનથી માત્ર એક જ સીટ જીત્યા છીએ. બનાસકાંઠાના મતદારોની નારાજગી હશે એટલે અમે જીતી શક્યા નથી.તમામનો આભાર. આજે મત ગણતરી પૂરી થયા બાદ 26 સીટનું પરિણામ આપની સામે છે. આ પહેલા પણ બંને વખત 26 સીટ ભાજપ જીતી હતી. આ લોકસભામાં 26 સીટ જીતવાનો સંકલ્પ કર્યો હતો પણ ક્યાંક મતદાતાની નારાજગી હશે, અમારાથી કંઈ ભુલ થઈ હશે એટલે ફક્ત 31 હજાર મતથી અમે એક સીટ હાર્યા છીએ.
અમારી ભુલને સમજીને દૂર કરવાની ખાતરી આપીએ છીએઃ પાટીલ
દેશમાં અને ભાજપના ઇતિહાસમાં સુરત સીટ બિન હરીફ થઈ છે. 1 સીટ ગુમાવ્યાનો અફસોસ છે અને 24 સીટ જીતવાનો આનંદ છે.સી.આર.પાટીલે લીડ ઓછી આવવા અંગે જણાવ્યું કે, અમારો ટાર્ગેટ 14-15 સીટ પર 5 લાખની લીડ આવે એ ઓછો પડ્યો છે. અમારી ભૂલ શોધી એને સુધારવાનો પ્રયત્ન કરીશું. જ્યારે નીતિશ કુમારને ઈન્ડીયા ગઠબંધને ડેપ્યુટી પીએમ બનવાની ઓફર અંગે કહ્યું કે, અમે ગુજરાતમાં રાજકારણ કરીએ છીએ. કોણ શું ઓફર કરે એ ખબર નથી. ઘણાં લોકોએ ઘણી પાર્ટીનો સંપર્ક કર્યો છે. એકલા એ તો કંઈ નહીં કરી શકે. નીતિશ કુમાર બહુ સિનિયર છે. ત્યાંના રાજકારણ વિશે કોમેન્ટ નથી કરવી પણ એટલું ચોક્કસ કહીશ કે મોદીની સરકાર બનશે. મતદારોને જે રીતે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી એ જે રીતે જોડી રાખ્યા એના કારણે જ ગત વખત જેટલા જ મત મેળવીને જીતી શક્યા છીએ. 4 સીટ 5 લાખ મત કરતાં વધારે જીત્યા છીએ. 3 લાખ ઉપર 6 સીટ, 2 લાખ ઉપર 6 સીટ જીત્યા છીએ. સાબરકાંઠા સીટ ઓછી લીડથી જીત્યા છીએ. ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ આ જીત છે. અમારી ભુલને સમજીને દૂર કરવાની ખાતરી આપીએ છીએ.
આ પણ વાંચોઃભાજપની હેટ્રિક અટકવાનો અફસોસ છે પણ ગેનીબેનની જીત મોટી જીત ના કહેવાયઃ વિજય રૂપાણી