યુનેસ્કોએ ગુજરાતના ગરબાને નવી ઓળખ આપી, અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર આપ્યું


અમદાવાદ, 26 માર્ચ : યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023 ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. 22 માર્ચ 2024 ના રોજ યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રે અઝોલે એ આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી હર્ષ સંઘવી અને પ્રફૂલ્લ પાનસેરિયાને વિધિવત અર્પણ કર્યું હતું.ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.
વિકાસ ભી, વિરાસત ભી”ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના
વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ વડાપ્રધાન મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ બાદ પેરિસ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ “એક શામ ગરબા કે નામ”ની એક ઝલક છે.
આ પણ વાંચો : USના આ રાજ્યમાં બાળકો સોશિયલ મીડિયા નહીં વાપરી શકે, તે માટે લેવી પડશે મંજૂરી