ઉત્તરાયણના દિવસે જ સુરતમાં ઉંધીયુ બનાવવું પડશે મોંઘું, શાકભાજીના ભાવ વધતા સ્વાદ બનશે ફિક્કો
ઉત્તરાયણના દિવસે ઉંધીયુ ખાવાનો અલગ જ આનંદ છે. તેમાં પણ સુરતીઓ તો ખાસ ઉંધીયાની લિજ્જત માણવા માટે જાણીતા છે. અહીં ખાલી સંક્રાતના દિવસે જ કરોડોનું ઉંધીયુ ખવાઈ જાય છે ત્યારે આ વખતે અહીં ઉંધીયુ બનાવવું અને ખાવું બંને મોંઘું પડી શકે છે. કારણ કે, ઉંધીયામાં ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજીની માંગ વધી છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે અને આ ભાવ વધારાના કારણે ઉંધીયાનો સ્વાદ ફિક્કો પડી શકે છે.
માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો શું ભાવ રહ્યો
મળતી માહિતી મુજબ, છેલ્લાં 8 દિવસમાં એપીએમસીમાં 17 લાખ કિલો વટાણા, 1.84 લાખ કિલો પાપડી અને 61 હજાર કિલો રિંગણા, 18 હજાર કિલો પાપડીની આવક થઈ છે. જો કે, શાકભાજીની આવકમાં તો વધારો થયો છે તેમ છતાં ડિમાન્ડ વધારે હોવાથી ભાવમાં પણ વધારો થયો છે. માત્ર એક જ દિવસમાં તુવેરના ભાવમાં 10 રૂપિયા, પાપડીના ભાવમાં 50 રૂપિયા, વટાણાના ભાવમાં 20 રૂપિયા અને ગાજરના કિલો દિઠ ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે.
યાર્ડના ડિરેક્ટર શું કહે છે ?
ઉત્તરાયણના પર્વે ઉંધીયુ બનાવવા માટે શાકભાજીની માંગ વધી છે. ત્યારે ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે આ અંગે એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યુ કે, ‘ઉતરાયણના તહેવારમાં ઉંધીયુ ખાવાનું સુરત શહેરમાં ચલણ છે. દરેક ધર્મના લોકો ઉતરાયણના તહેવારની ઉજવણી ધામધૂમથી કરે છે. આ વર્ષે પણ ઉતરાયણમાં ઉંધીયાનું ચલણ છે ત્યારે તેને લઈને ઉંધીયામાં ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજીની માંગમાં વધારો થયો છે. જેથી ભાવ વધ્યા છે.