છોટા રાજનને મોટો ફટકો, ફાયનાન્સ હેન્ડલરની સિંગાપોરથી ધરપકડ

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને મોટો ઝટકો લાગ્યો છે. છોટા રાજનના સૌથી નજીકના તેમજ તેના ફાયનાન્સ હેન્ડલરના સંતોષ સાવંત ઉર્ફે અબુ સાવંતની સિંગાપોરમાંથી ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત રીતે કરેલા ઓપરેશનમાં સફળતા મળી છે. સિંગાપોરથી અબુ સાવંતને મુંબઈ ડિપોટ કરવામાં આવ્યો છે.
અબુ સાવંત વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેમજ CBIમાં કેસ નોંધાયેલો છે. આ સ્થિતિમાં CBI પહેલા સાવંતને કસ્ટડીમાં લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અબુ સાવંત હોટલ બિઝનેસમેનની આડમાં સિંગાપુરમાં રહેતાં છોટા રાજન માટે કામ કરતો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અબુ સાવંત લગભગ 22 વર્ષથી રાજનની ગેંગ સાથે જોડાયેલો છે.
સાવંત કેવી રીતે છોટા રાજનનો નજીકનો બન્યો ?
સુત્રો જણાવે છે કે અબુ સાવંત છોટા રાજનના સૌથી નજીકના લોકોમાંથી એક છે. રાજનની ગેંગમાં ડીકે રાવ પછી અબુ સાવંતનું નામ બીજા નંબરે આવતું હતું. વર્ષ 2000માં જ્યારે છોટા રાજન પર હુમલો થયો ત્યારે તેની ગેંગના નજીકના મિત્રો જેમ કે રવિ પૂજારી, હેમંત પૂજારી, બંટી પાંડે, સંતોષ, વિજય શેટ્ટી, એજાઝ, લાકડા વાલા તેને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે, ડીકે રાવ સાથે અબુ સાવંતે રાજનને ટેકો આપ્યો, એ પછી તેઓ છોટા રાજનની નજીકના બની ગયા.

છોટા રાજન ગેંગમાં સાવંતનું આ કામ હતું
રાજન ગેંગમાં ડીકે રાવનું કામ ગુનાઓની ગતિવિધિઓને અંજામ આપવાનું હતું, જ્યારે અબુ સાવંત ડોન રાજનના બ્લેક મની પર નજર રાખતો હતો. અબુ સાવંતના પિતા વ્યવસાયે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા હતા, જેના કારણે તેમને પ્રોપર્ટીની ખાસ જાણકારી હતી. સાવંતે રાજન કંપનીના પ્રોપર્ટી ડીલિંગ અને ફાયનાન્સનું બધુ જ હેન્ડલિંગ કરતો હતો.
અબુ સાવંત મુંબઈ સહિત દેશમાં ગેંગના સભ્યો માટે ટાર્ગેટ સેટ કરવા, પ્રોટેક્શન મનીના નામે તેમનો સંપર્ક કરવા, ધમકીઓ આપવા અને રૂપિયા પડાવવાનું કામ પણ કરતો હતો. અબુ સાવંત છોટા રાજનના ફાઈનાન્સ હેન્ડલરની સાથે ગેંગનો કોઈ સભ્ય પકડાય તો જામીનની વ્યવસ્થા કરતો હતો.
આ પણ વાંચોઃ ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, ચીનને છોડી દીધું પાછળ
અબુ સાવંત સામે કેટલા ગુના ?
વર્ષ 2000માં, પ્રત્યાર્પણને લઈને કાગળની કાર્યવાહી શરૂ થઈ, ત્યારબાદ અબુ સાવંત વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર આવી. આ સ્થિતિમાં એક દાયકાની મહેનત બાદ તેને ડિપોર્ટ કરવામાં આવ્યો છે. સાવંત સામે ધાકધમકી, છેડતી જેવા આરોપો ઉપરાંત મકોકા હેઠળના કેસ પણ નોંધાયેલા છે.