કેનાલમાંથી પાણીની ચોરી કરી તો ગયા સમજો, સુરેન્દ્રનગરના 3 તાલુકાના 9 ગામોને ચેતવણી….
હાલમાં ઉનાળુ સિઝનમાં પીવાના પાણીની અછત સર્જાઇ છે. તેના નિરાકણ માટે સરકારની સૂચના અનુસાર બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે. ત્યારે પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. બોટાદ શાખા નહેરની લાઈનદોરીમાં આવતા ગામના કોઇ વ્યક્તિ પાણીની ચોરી કરશે તો તેની સામે કાયદેસર પગલા ભરવામાં આવશે. આ જાહેરનામુ તારીખ ૨૯/૦૪/૨૦૨૨થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
નહેર દ્વારા પીવાનું પાણી પહાંેચાડવા તથા પાણીના વહન દરમિયાન ઘણી જગ્યાએથી ખડૂતો તેમજ કેટલાક ઈસમો દ્વારા અનઅધિકૃત રીતે મશીન, બકનળી અને સબમર્સીબલ પંપ દ્વારા પાણીનો ઉપાડ કરવામાં આવતો હોવાના કારણે પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારના પમ્પિંગ સ્ટેશન ઉસુધી પહોંચી શકતો નથી. આ સંજોગોમાં નિગમના સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ સહાય/મદદ દ્વારા મોનિટરીંગ અને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે પરિસ્થિતિ ક્ષણિક સુધરતી જણાય છે.
પરંતુ કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી. જેથી દરખાસ્ત મુજબ બોટાદ શાખા નહેરના વિસ્તારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(એમ) હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવે તો પાણીની થતી ચોરી અટકાવી શકાય તેમ છે. જિલ્લાના ઉકત તાલુકાની નહેરના નિયત કરેલા વિસ્તારના ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્સીબલ પંપનું પાણી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાએ જિલ્લા મેજીસ્ટ્રેની પરવાનગી વગર વેચાણ કરી શકશે નહીં.
ત્રણ તાલુકાના ૯ ગામના લોકોને ચેતવણી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા બોટાદ શાખા નહેર કુલ-૭૪.૩૧૦ કિમી. લાંબી નહેરમાંથી વહન થતાં પાણીનો અનઅધિકૃત ઉપાડ કે ઉપયોગ અટકાવી શકાય તેમજ પીવાની વ્યવસ્થામાં ભાંગફોડ ઉભી કરી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પહોંચે તેવા કોઈ પણ કૃત્યો થતા અટકાવી શકાય તે માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી, માળોદ, ગુદીયાળા, ટીંબા, કારીયાણી, વડોદ અને વસ્તડી ગામ, લીંબડી તાલુકાના બોરાણાચ તેમજ ચુડા તાલુકાના ચુડા સહિત કુલ ૯ ગામોમાંથી પસાર થતી નર્મદા બોટાદ શાખા નહેર વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા મનાઈ ફરમાવાઈ છે.