ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પાલિકા દ્વારા પ્રજાના માથે ઠોકી બેસાડવામાં આવેલો ભૂગર્ભ ગટર વેરો ગેરવ્યાજબી

  • પૂર્વ પાલિકા પ્રમુખે વેરો પાછો ખેંચી લેવા માગ કરી
  • સોશ્યલ મીડિયામાં પત્રિકા ફરતી કરી

બનાસકાંઠા 13 જુલાઈ 2024 :  ડીસા નગરપાલિકા એ ચાલુ વર્ષે વેરાના બિલ મિલકત ધારકોને પહોંચાડ્યા છે. જેમાં ભૂગર્ભ ગટર વેરો અલગથી લાદવામાં આવ્યો છે. આ વેરો તદ્દન ગેર વ્યાજબી હોવાનું અને પ્રજાએ આ વેરો ન ભરવા માટે ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખે સોશ્યલ મીડિયામાં પત્રિકા ફરતી કરી અનુરોધ કર્યો છે. જેને શહેરમાં ચર્ચા જગાવી છે

ડીસા નગરપાલિકાના વિવિધ વેરાઓના બિલમાં આ વખતે વધારા નો ભૂગર્ભ ગટર વેરો ઉમેરીને મિલકત ધારકોને બિલ વેચવામાં આવ્યા છે. ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન વિપુલ શાહે ભૂગર્ભ ગટરના વેરાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમને સોશ્યલ મીડિયામાં મુકેલી પત્રિકામાં જણાવ્યું છે કે, ભૂગર્ભ ગટરનું કામ શહેરમાં હજુ સુધી પૂર્ણ થયું નથી, છતાં પ્રજાજનો પાસેથી તેનો વેરો ઉઘરાવવો વ્યાજબી નથી. નગરજનોના માથે થોપવામાં આવેલો આ વેરો કામ પૂર્ણ થયા પહેલા જ મિલકત વેરાના બિલમાં જોડીને આપી દેવામાં આવતા લોકોમાં પણ રોષ પ્રસરેલો છે.

એમણે ઉમેર્યું હતું કે, અમારા શાસન દરમિયાન ભૂગર્ભ ગટર નું 70% કામ પૂર્ણ થયું હતું. જ્યારે દસ – દસ વર્ષથી પાલીકામાં ભાજપ સત્તામાં હોવા છતાં પણ ૩૦ ટકા કામ પૂર્ણ કરાવી શક્યું નથી. વળી જ્યાં કામ થયું છે ત્યાં ભૂગર્ભ ગટરમાં ઘણા લોકોના જોડાણ પણ આપવાના બાકી છે. છતાં તેઓની પાસેથી ભૂગર્ભ ગટરનો વેરો વસૂલાત કરવા માટે બિલમાં કોલમ ઉમેરી દેવામાં આવ્યું છે. આ વસુલાત કરવામાં આવી રહી છે તે તદ્દન ગેર વ્યાજબી છે.

પારકા પૈસે તાગડધિન્ના કરવા ટેવાયેલા નગરપાલિકાના દિશા વિહીન શાસકોને ગટરના અધૂરા કામ પુરા કરવામાં કોઈ રસ ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં ભૂગર્ભ ગટરની જરૂર છે ત્યાં કરવાના બદલે ખેતરાઉ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આમ તદ્દન ખોટી રીતે પ્રજાજનો ના માથે થોપવામાં આવેલો આ વેરો પરત ખેંચવાની માગણી સાથે તેનો વિરોધ કરીને પ્રજાજનોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તેમને ચૂંટાયેલા સદસ્યોને પણ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ પત્રિકાને લઈ શહેરમાં ભારે ચર્ચા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા રેલવે સ્ટેશનમાં બે વર્ષથી ઇન્ડિકેટર નો અભાવ, રેલવે યાત્રીઓને હાલાકી

Back to top button