પાલનપુર બ્રિજેશ્વર કોલોનીની ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ, શું આ વર્ષે પણ બ્રિજેશ્વર કોલોની ડૂબશે?
પાલનપુર, તમને જાણીને નવાઈ લાગશે કે, પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના મહિલા સદસ્ય તેમના વિસ્તારમાંથી પસાર થતી અને ચોકઅપ થઈ ગયેલી ગટરલાઈન ખોલાવવા માટે રાત -ઉજાગરા કરી રહ્યા છે. કારણ કે તેમને ચિંતા છે. જો એક સાથે વરસાદ ખાબક્યો હતો બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં પાણી ભરાતા અસામાન્ય સ્થિતિ સર્જાય તેવી વકી છે.
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવેલી બ્રિજેશ્વર કોલોનીના મુખ્ય માર્ગની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે અહીંથી પસાર થતી ભુગર્ભ ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ છે. તેની સફાઈ માટે વોર્ડના મહિલા સદશ્યા આશાબેન રાવલ એ મૌખિક તેમજ લેખિતમાં પાલનપુર પાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે. છતાં કોઇ કાર્યવાહી થઇ ન હતી. અને મોડે મોડે પાલિકાએ તેનું જેટિંગ મશીન મોકલ્યું હતું. તેના દ્વારા સતત બે દિવસથી ભૂગર્ભની ચોકઅપ ગટરલાઈન ખોલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ કામગીરી ચાલી રહી છે ત્યારે મહિલા સદસ્યા પોતે પણ સ્થળ ઉપર ઊભા રહી રાત્રે બે વાગ્યા સુધી આ કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. અને ઝડપથી આ ગટરલાઇન ખુલી જાય તે માટે તેના પ્રયાસમાં મદદ કરી રહ્યા છે. આ અંગે મહિલા સદસ્યા આશાબેન રાવલે જણાવ્યું હતું કે, હાલમાં બ્રિજેશ્વર કોલોની માર્ગનું કામ ચાલુ છે, ત્યારે ભુગર્ભની ગટરલાઈન ચોકઅપ થઈ ગઈ છે. જો રોડ બની જાય અને ભૂગર્ભ ગટર લાઈન ખુલ્લી ના થાય તો અને કદાચ લાઈન ખોલવી પડે તો રોડને તોડવાની નોબત આવે. વળી ચોમાસુ પણ સામે છે જેથી વરસાદી પાણી અને ગટરના પાણીના કારણે આ વિસ્તારની સ્થિતિ બગડી શકે છે. પાલિકા તંત્રએ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવાની જરૂર છે. જેથી ચોમાસામાં પ્રજાજનોને મુશ્કેલી ના પડે.