હસીનાએ કયા સંજોગોમાં છોડ્યો દેશ? શું કહે છે બાંગ્લાદેશી મીડિયા?
ઢાકા, 5 ઓગસ્ટ, 2024: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓના પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું અને હવે તેઓ દેશ છોડી ગયા છે. બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું છે કે વચગાળાની સરકારની રચના કરવામાં આવી રહી છે.
હસીના બાંગ્લાદેશ છોડી ક્યાં ગઈ?
અહીં, બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હસીના ભારત માટે રવાના થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એએફપીએ કહ્યું છે કે હસીના સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયાં છે. બાંગ્લાદેશના અગ્રણી અખબાર ‘ઢાકા ટ્રિબ્યુન’એ તેના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે શેખ હસીના તેમના નાના બહેન શેખ રેહાના સાથે ભારત જવા રવાના થઈ ગયાં છે.
અખબારે તેના અહેવાલમાં લખ્યું છે કે, ‘વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે બપોરે લગભગ 2.30 વાગ્યે વડાપ્રધાનનું નિવાસસ્થાન છોડ્યું હતું અને એક સૈન્ય હેલિકોપ્ટરમાં તેમની બહેન શેખ રેહાના સાથે સુરક્ષિત સ્થાને રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તે ભારતના પશ્ચિમ બંગાળ જઈ રહી છે. આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર શેખ હસીના અને શેખ રેહાના ‘સુરક્ષિત સ્થળે’ પહોંચી ગયા છે.
હસીના દેશ છોડતા પહેલા રેકોર્ડ કરવા માંગતાં હતાં ભાષણ
બાંગ્લાદેશી અખબારે અહેવાલ આપ્યો છે કે શેખ હસીના દેશ છોડતા પહેલા તેમનું વિદાય ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતાં. જો કે, પરિસ્થિતિ એવી બની કે તેમના ભાષણની તૈયારીમાં જ તેમને દેશ છોડીને ભાગી જવું પડ્યું. બાંગ્લાદેશી અખબારના અહેવાલમાં વાંચવામાં આવ્યું હતું કે, ‘પરંતુ સ્થિતિ એવી બની કે તેમને ભાષણ રેકોર્ડ કરવાની તક ન મળી અને અચાનક દેશ છોડવો પડ્યો.’
View this post on Instagram
પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ શું કહ્યું?
આ દરમિયાન આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને રાષ્ટ્રને સંબોધન કર્યું છે. પોતાના સંબોધનમાં હિંસા રોકવાની હાકલ કરતા તેમણે કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા લોકોને ન્યાય અપાશે. પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે, ‘અમે તમારી માંગણીઓ પૂરી કરીશું, સંઘર્ષથી દૂર રહો. અમે આજે પાર્ટીના તમામ નેતાઓ સાથે વાત કરી છે.
બંગબંધુની પ્રતિમા પર હથોડીનો ઉપયોગ
શેખ હસીના પ્રત્યે વિરોધીઓના ગુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓએ બાંગ્લાદેશના જનક ગણાતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર હુમલો કર્યો હતો. બાંગ્લાદેશથી સામે આવેલા એક વીડિયોમાં દેખાવકારો બંગબંધુની પ્રતિમા પર ચડતા અને હથોડી ચલાવતા જોવા મળે છે. હસીના શેખ મુજીબુર રહેમાનનાં પુત્રી છે.
આ પણ વાંચો: પરિવારની હત્યા; 2 વખત મૃત્યુને આપી મહાત; આવી રહી શેખ હસીનાની રાજકીય સફર