સુજલામ સુફલામ યોજના હેઠળ હવે આ તારીખથી તળાવ ઊંડા કરવાની કામગીરી થશે શરુ
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર સુજલામ સુફલામ યોજના હેઠળ ફેબ્રુઆરી માસથી જ તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાશે. આ યોજના હેઠળ કડાણા જળાશય આધારિત ઝાલોદ તાલુકાના 12 ગામના 18 તળાવો ભરાયા છે. ત્યારે રાજ્યમાં જે તળાવો મનરેગા યોજના હેઠળ ઊંડા ન કરી શકાયા હોય એવા તળાવો આ અભિયાન હેઠળ ઊંડા કરાશે.
રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે આપી માહિતી
પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે પશુઓને પીવાનું પાણી તેમજ સિંચાઈ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ બને એ માટે રાજ્ય સરકારે વર્ષ 2018થી સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરી છે. આ યોજના હેઠળ ફેબ્રુઆરી માસથી કામગીરી શરૂ કરી દેવાઇ છે. તેમજ રાજ્યભરમાં મનરેગા યોજના હેઠળ અથવા અન્ય જિલ્લા કક્ષાએ આ યોજનામાં જે તળાવ ઊંડા કરી શકાયા ન હોય તેવા તમામ તળાવો આ અભિયાન હેઠળ ઊંડા કરવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
12 ગામના 18 તળાવો એક વર્ષમાં ભરાયા
વિધાનસભા ખાતે ઝાલોદ તાલુકાના તળાવો ભરવાની મંજૂરી અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે, ઝાલોદ તાલુકામાં કડાણા જળાશય આધારિત12 ગામના 18 તળાવો છેલ્લા એક વર્ષમાં પાણીથી ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજના હેઠળ 16,950 હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારને GST કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી મળ્યું આટલું વળતર