સુંદર પિચાઈની જાણકારી હેઠળ Google એ ભારતમાં છૂટા કર્યા 450થી વધુ કર્મચારીઓ
વિશ્વમાં મંદીના વાદળ છવાયા છે ત્યારે વિવિધ કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલુ છે. આ વચ્ચે ફેસબુક, ટ્વિટર, એમેઝોન સહિતની ઘણી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને દૂર કર્યા પછી, તાજેતરમાં ગુગલ પણ આ રેસમાં જોડાઈ છે. ફરી એકવાર કંપનીએ મોટી કંપનીઓની છટણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલે ભારતમાં તેના 453 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
એક અંગ્રેજી અખબરના અહેવાલ અનુસાર, ગૂગલે 453 ભારતીય કર્મચારીઓને હટાવવાની કાર્યવાહી ગુરુવારે રાત્રે કરવામાં આવી હતી અને તેની માહિતી મેઈલ દ્વારા આપવામાં આવી છે. આ મેઈલ ગૂગલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ મોકલ્યો છે. આ મેલમાં ભારતીય મૂળના સુંદર પિચાઈ, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના CEOની સંમતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
CEO સુંદર પિચાઈએ જવાબદારી સ્વીકારી
રિપોર્ટ અનુસાર, ઘણા કારણોસર છટણી કરવાનો નિર્ણય ગૂગલમાં લેવામાં આવ્યો છે અને સુંદર પિચાઈ આ તમામ નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લેવા માટે સહમત થયા છે. ગૂગલે ભારતમાં 453 કર્મચારીઓની છટણી કરી છે, તે હજુ સુધી સ્પષ્ટ નથી કે વૈશ્વિક સ્તરે કેટલા કર્મચારીઓને અસર થશે અથવા ટેક જાયન્ટમાં વધુ છટણી થશે કે કેમ. આ અંગે હજી પણ સવાલો થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Job હોય તો આવી ! ભારતની આ કંપનીમાં ઓવરટાઈમ નથી, કોમ્પ્યુટર કહે છે – ‘….હવે ઘરે જાવ’ !
નોંધનીય છે કે ગયા મહિને જ ગૂગલની પેરન્ટ કંપની Alphabet Inc એ જાહેરાત કરી હતી કે લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણીઓ વૈશ્વિક સ્તરે કંપનીના કુલ હેડકાઉન્ટના લગભગ 6 ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં કરવામાં આવેલી છટણીનો પણ આ આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો છે કે પછી કંપનીએ દેશમાં છટણીનો નવો તબક્કો શરૂ કર્યો છે તે સ્પષ્ટ નથી.