ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત સરકારે બે વર્ષમાં ખેડૂતોને ચૂકવી આટલી સહાય
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂત ખાતેદારોને આકસ્મિક સંજોગોમાં આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 1996થી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અમલી બનાવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 136 ખેડૂત ખાતેદારોને રૂપિયા 264 લાખની સહાય ચૂકવાઇ છે.
ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાના લાભ
આજે વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને આવરી લેવાયા છે.જેમાં અકસ્માતે મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં સહાય ચૂકવાય છે.તેમજ ખાતેદાર ખેડૂતના સીધી લીટીના વારસદાર ખાતેદારને સહાય અપાય છે. આ માટે ખાતેદાર ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી ખેડૂતો વતી વીમાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે.
આ કિસ્સામાં આટલી સહાયની ચૂકવણી
તેમણે ઉમેર્યું કે,આ યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં તેમજ બે હાથ-બે પગની અપંગતા હોય તો 100% સહાય. તેમજ એક આંખ – એક પગની અપંગતા આવે તો ૫૦% સહાય ચૂકવવામાં આવે છે.આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક,તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી,જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી અધિકારી,ખેતીવાડી અધિકારી તેમજ કૃષિ વિભાગની વેબસાઇટ પરથી ફોર્મ મેળવી ભરવાની હોય છે. આ માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂત ખાતેદારોએ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ બાદ 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજી કરવાની હોય છે.અરજી કર્યાથી 60 દિવસમાં વીમાની ઉપલી કચેરી દ્વારા જરૂરી ચકાસણી બાદ સમય મર્યાદામાં સહાય ડી.બી.ટી.ના ધોરણો ખેડૂતોના ખાતામાં જમા કરાવાય છે.
આ પણ વાંચો : Axis Bankએ ખરીદ્યો Citi Bank નો રિટેલ બિઝનેસ, ગ્રાહકો માટે બદલાશે આ નિયમો