મહાકાલની શરણમાં ગાયિકા શહનાઝ અખ્તરે ગાયું ભજન, આનંદ-મિલિંદે પણ લીધા આશીર્વાદ


- શહનાઝ અખ્તરે મંદિરના ગર્ભગૃહની બહાર ઊભા રહીને ભોલેનાથની સામે ભજન પણ સંભળાવ્યું હતું. શહનાઝે ચાંદી દ્વારથી જ બાબા મહાકાલના દર્શન કર્યા હતા.
ઉજ્જૈન, 14 માર્ચઃ તાજેતરમાં, અભિનેતા ગોવિંદા, અભિનેત્રી હેમા માલિની, કરણ સિંહ ગ્રોવર, આયુષ્માન ખુરાના અને કોમેડિયન ભારતી સિંહ સહિત અનેક સેલિબ્રીટીઝે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. હવે પ્રખ્યાત ભજન ગાયિકા શહનાઝ અખ્તર અને સંગીતકાર આનંદ-મિલિંદ પણ બાબા મહાકાલની શરણમાં પહોંચ્યાં છે.
શહનાઝ અખ્તરે સપરિવાર કર્યા દર્શન
પ્રસિદ્ધ ગાયિકા શહનાઝ અખ્તર બુધવારે રાત્રે પરિવાર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી. આ દરમિયાન તેણે પરિવાર સાથે બાબા મહાકાલના દર્શન કર્યા અને પૂજા-અર્ચના પણ કરી હતી. શહનાઝ અખ્તરે મંદિરના ગર્ભગૃહની બહાર ઊભા રહીને ભોલેનાથની સામે ભજન પણ સંભળાવ્યું હતું. શહનાઝે ચાંદી દ્વારથી જ બાબા મહાકાલના દર્શન કર્યા હતા.
બાબા મહાકાલની સામે ગાયું ભજન
મંદિરના પૂજારી પં.નવનીત શર્માએ ગાયિકાને ભગવાન મહાકાલની પૂજા કરાવી હતી અને તેને કેસરી ખેસ તેમજ પ્રસાદ અર્પણ કર્યો હતો. ભજન ગાયિકા શહનાઝ અખ્તરે ભોલેનાથના દર્શન કરીને એક ભજન પણ ગાયું હતું. તેણે પોતાના ભજન ‘ઉજ્જૈન મેં હર રંગ કે દીવાને મિલેંગે…’ ગાયું અને ભોલેનાથના આશીર્વાદ લીધા.
આનંદ-મિલિંદે પણ લીધા આશીર્વાદ
બોલિવૂડની જાણીતી સંગીતકાર જોડી આનંદ મિલિંદ પણ ઉજ્જૈન પહોંચ્યા હતા અને બાબા મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે મંદિરના નંદી હોલથી બાબા મહાકાલના દર્શન કર્યા હતા અને તેમની પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આનંદ-મિલિંદે બેટા, કયામત સે કયામત તક, દુલ્હેરાજા સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના સંગીતનો જાદુ રેલાવ્યો છે.
આ પણ વાંચોઃ સુશાંત સિંહ રાજપૂતની બહેને PM મોદીને કરી અપીલ, CBI તપાસ પર ઉઠાવ્યા સવાલ