અમદાવાદની શાળામાં RTE હેઠળ પ્રવેશમાં છબરડાં, ખોટાં દસ્તાવેજ બનાવી લીધો હતો પ્રવેશ
- 7 શાળા દ્વારા આ વિશે ડીઈઓને ફરિયાદ કરતાં આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ
- સાત શાળામાંથી જ 175 વાલીઓને નોટિસ આપવામાં આવી
- દોઢ લાખથી વધુ આવક ધરાવતા વાલીઓના નામ સામે આવ્યા
ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ, તંત્રમાં રહેલાં અમુક ભ્રષ્ટઅધિકારીઓના કારણે સરકારની આ યોજનાનો લાભ ગરીબ અને વંચિતોને મળવાને બદલે જે લોકો રૂપિયા ખવડાવીને ખોટા દસ્તાવેજ બનાવે છે તેવા વાલીઓના બાળકોને મળી રહ્યો છે.
7 શાળા દ્વારા આ વિશે ડીઈઓને ફરિયાદ કરતાં આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ
જેમાં અમદાવાદની 7 શાળા દ્વારા આ વિશે ડીઈઓને ફરિયાદ કરતાં આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. આ દરમિયાન ડીઈઓએ તપાસ હાથ ધરી 175 બાળકોના એડમિશન ચાલુ વર્ષના અંતે રદ કર્યાં છે. અમદાવાદની બે ખાનગી શાળા કેલોરેક્સ અને ઉદગમ સ્કૂલે ડીઈઓને ફરિયાદ કરી હતી. જેના પગલે ડીઈઓએ આવા તમામ વાલીઓ સામે કડક પગલાં લીધો છે. ડીઈઓ દ્વારા નોટિસ પાઠવી રૂબરુ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં આ પ્રકારની છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો.
દોઢ લાખથી વધુ આવક ધરાવતા વાલીઓના નામ હતાં
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ સહિત અનેક શાળાએ ડીઈઓને ફરિયાદ કરી હતી કે, RTE હેઠળ ખોટા દસ્તાવેજ બનાવી સદ્ધર વાલીઓ પણ પોતાના બાળકોનો પ્રવેશ કરાવી રહ્યાં છે. જેમાં શાળાઓ દ્વારા ડીઈઓ કચેરીને લિસ્ટ આપવામાં આવ્યું હતું, જેમાં દોઢ લાખથી વધુ આવક ધરાવતા વાલીઓના નામ હતાં, જેમના બાળકોએ RTE હેઠળ પ્રવેશ મેળવ્યો હતો.
સાત શાળામાંથી જ 175 વાલીઓને નોટિસ આપવામાં આવી
આ લિસ્ટ બાદ ડીઈઓએ તમામ વાલીઓની ચકાસણી કરી હતી. જેમાંથી કેલોરેક્સ સ્કૂલના 63 વાલીઓમાંથી 60 વાલીઓએ ખોટી આવક બતાવી પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યું હતું. બીજી બાજુ ઉદગમ સ્કૂલમાંથી આપેલા 30 વાલીના લિસ્ટમાંથી 20 વાલીઓની સુનાવણી પૂરી થઈ, જેમાંથી 18 વાલીઓએ ખોટી આવક બતાવી પ્રવેશ લીધો હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય અન્ય શાળામાંથી પણ ફરિયાદ આવી હતી, તેની સુનાવણી દરમિયાન અન્ય આવા વાલીઓ સામે આવતાં ફક્ત સાત શાળામાંથી જ 175 વાલીઓને નોટિસ આપવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ન બગડે તેથી શૈક્ષણિક વર્ષના અંતથી આ તમામ બાળકોનું એડમિશન રદ ગણાશે.