ઓપરેશન નમકીન હેઠળ, મુન્દ્રા પોર્ટ પાસે 500 કરોડનું 52 કિલો કોકેઇન પકડાયું
ગુજરાતમાં ફરી એક વખત કચ્છના મુન્દ્રા પોર્ટ પાસે સીડબ્લ્યુસીમાં રાખેલા ઈરાનના કન્ટેનરમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે ડીઆરઆઈએ ‘ઓપરેશન નમકીન’ લોન્ચ કરીને ત્રણ દિવસ સુધી એક હજાર બેગની તપાસ ચાલુ હતી. જેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 500 કરોડની કિંમતનું 52 કિલો કોકેઈન પકડાયું હતું.ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઇ)ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઈરાનથી મીઠું હોવાની જાહેરાત કરીને આવી રહેલા એક કન્સાઈમેન્ટમાં ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે આધારે ઓપરેશન શરૂ કરીને ડીઆરઆઈની ટીમે આવેલા કન્ટેનરની સીડબ્લ્યુસીમાં તપાસ હાથ ધરી હતી. કન્ટેનરમાં એક હજાર બેગની તપાસ દરમ્યાન અમુક પ્રકારની બેગમાંથી જુદા-જુદા પ્રકારની ગંધથી તેને અલગ તારવીને સેમ્પલિંગ કરીને ફોરન્સિક તપાસ કરાઈ હતી. જેના રિપોર્ટમાં આ જથ્થો કોકેઇનનો હોવાની પુષ્ટિ થઈ હતી.
કાર્ગોને એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ સીઝ કરીને આયાતકાર સહિતના સંલગ્ન લોકોની તપાસ અને પુછપરછનો દોર હાથ ધર્યો હતો. ગત વર્ષે મુંદ્રા પોર્ટ પર ઝડપાયેલા 21 હજાર કરોડની કિંમતનું ત્રણ ટન હેરોઈન ઝડપાયું હતું.
છેલ્લા એક વર્ષેમાં 3200 કરોડનું 321 કિલો કોકેઇન પકડાયું હતું
વર્ષ 2021-22માં ડીઆરઆઈ દ્વારા દેશભરમાંથી 3200 કરોડની કિંમતનું 321 કિલો કોકેઈન જપ્ત કરાઈ ચુક્યુ છે. છેલ્લા એક મહિનામાંજ ડિઆરઆઈ દ્વારા નોંધપાત્ર કેસ રજીસ્ટર્ડ કરાયા છે. જેમાં કંડલા પોર્ટથી જીપ્સમ પાવડરમાંથી 205 કિલો હેરોઈન, પીપાવાવ પોર્ટથી 395 કિલો હેરોઈન, એર કાર્ગો કોમ્પલેક્ષથી 62 કિલો હેરોઈન, ન્યુ દિલ્હીથી 218 કિલો હેરોઈન, 61.5 કિલો ગોલ્ડનો સમાવેશ થાય છે.
મુન્દ્રામાંથી કરોડનું 14 ટન રક્તચંદન પકડાયું: કચ્છના મુંદ્રાના એમઆઈસીટી ટર્મીનલમાંથી ડીઆરઆઈએ ગુરુવારે દુબઈ એક્સપોર્ટ થતા પહેલા જ એક કન્ટેનરમાંથી રક્તચંદન ઝડપી લીધુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં 7 કરોડની કિંમત ધરાવતો 14 ટન જથ્થો જપ્ત કરાયો હોવાનું જાણકારી મળે છે. અમદાવાદ નજીક ખોડીયાર આઈસીડીથી આવેલા એક કન્ટેનરને એક્સપોર્ટ થતું અટકાવીને તપાસ ચાલુ કરી હતી. સુરત, અમદાવાદ અને બરોડામાં પણ સર્ચ ઓપરેશન બાતમીના આધારે હાથ ધરાયાનું સુત્ર દ્રારા જાણવા મળે છે.