અનકોટેડ રાઈટિંગ અને પ્રિન્ટિંગ પેપરની નિકાસ 98 ટકા સુધી પોંહચી, રેકોર્ડ બ્રેક 13,963 કરોડનો ઉછળી
નવી દિલ્લી: પેપર ઈન્ડસ્ટ્રી બોડી આઈપીએમએના જણાવ્યા અનુસાર દેશમાંથી પેપર અને પેપર બોર્ડની નિકાસ 2021-22માં 80 ટકા ઉછળીને 13,963 કરોડ થઈ હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ઈન્ડિયન પેપર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IPMA)એ જણાવ્યું હતું, કે તમામ ગ્રેડના પેપરની નિકાસ વધી હતી. મૂલ્યની દૃષ્ટિએ કોટેડ પેપર અને પેપરબોર્ડની નિકાસ 100 ટકા વધી હતી.
અનકોટેડ રાઈટિંગ અને પ્રિન્ટિંગ પેપરની નિકાસ 98 ટકા વધી હતી. ટિશ્યૂ પેપરની નિકાસ 75 ટકા વધી હતી. ક્રાફ્ટ પેપરની નિકાસ 37 ટકા વધી હતી. છેલ્લાં પાંચ વર્ષથી દેશમાંથી પેપરની નિકાસ સતત વધી રહી છે. વોલ્યૂમની દૃષ્ટિએ જોઈએ તો પેપરની નિકાસ ચાર ગણી ઉછળીને 28.5 લાખ ટન થઈ હતી, જે પાંચ વર્ષ પહેલાં માત્ર 6.6 લાખ ટન હતી. વેલ્યૂની દૃષ્ટિએ પણ પાંચ વર્ષમાં પેપરની નિકાસ 3041 કરોડથી વધીને 13,963 કરોડ થઈ છે.
પાંચ-સાત વર્ષમાં પેપર મિલોએ 25,000 કરોડનું રોકાણ કર્યું છે, નવી ઉત્પાદન ક્ષમતા ઊભી કરી છે. આ સાથે જ તેમણે ક્લીન અને ગ્રીન ટેક્નોલોજી પણ અપનાવી છે. સ્થાનિક કંપનીઓએ વિવિધ દેશોમાં માર્કેટિંગ પ્રયાસ વધાર્યા છે. અને વિદેશોમાં પણ રોકાણ વધાર્યું છે, તેના કારણે નિકાસને બળ મળ્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષમાં વોલ્યૂમની દૃષ્ટિએ ભારત પેપરનો નેટ નિકાસકાર દેશ બન્યો છે. ભારત મુખ્યત્વે યુએઈ, ચીન, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, વિયેતનામ અને શ્રીલંકાને પેપરની નિકાસ કરે છે.
સ્ટીલમાં ભાવ ઘટવાની આશા
કન્ઝ્યુમર એપ્લાયન્સીસ કંપનીઓ અને ડ્યૂરેબલ્સના ભાવ વધતા માર્ચના ક્વાર્ટરમાં માંગ પર અસર થઈ હતી. ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નબળું જોવાઈ રહ્યું છે. કારણ કે સ્ટીલ સંબંધિત મોટાભાગની વસ્તુઓના ભાવ વધી ગયા છે, વૈશ્વિક સ્તરે આ સ્થિતિ જોવા મળી છે, જેને કારણે સ્ટીલના ભાવ તમામ માર્કેટમાં ઘટવાની સ્થિતિ ઊભી થઈ છે. એપ્રિલથી અત્યાર સુધીમાં હોટ-રોલ્ડ કોઈલના ભાવ યુરોપ અને અમેરિકામાં 25 ટકાથી વધુ ઘટી ગયા છે. 15 માર્ચ આસપાસ આ ભાવ ટનદીઠ 1600 ડોલર હતા, જે ઘટીને હાલમાં 1150-1200 ડોલર થઈ ગયા છે. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય સ્ટીલ કંપનીઓની નિકાસ સારી રહેશે, પરંતુ પછી તબક્કાવાર ઘટશે અને ભાવ પણ નીચા જતા તેમના રિયલાઈઝેશન ઘટશે. આ વર્ષે તેમની નિકાસ 1.3-1.4 કરોડ ટન રહેવાનો અંદાજ છે.