યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની કારને કિવમાં અકસ્માત થયો છે. જો કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સલામત છે. આ કાર દુર્ઘટનામાં ઝેલેન્સકીને કોઈ ગંભીર ઈજા થઈ નથી.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેલેન્સકી યુદ્ધ ક્ષેત્રની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની કારને નડ્યો અકસ્માત
રાષ્ટ્રપતિના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક કાર યુક્રેનના રાષ્ટ્રપતિની કાર અને એસ્કોર્ટ વાહન સાથે અથડાઈ હતી. આ પછી ઝેલેન્સ્કી સાથે હાજર ડોકટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ ડ્રાઇવરને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પણ સારવાર કરવામાં આવી હતી. નિવેદનમાં જણાવાયું છે કે તેઓને કોઈ ગંભીર ઈજા થઈ નથી. સુરક્ષા દળોએ આ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે.એક દિવસ પહેલા ઝેલેન્સકીએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન માટે એક ધારનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સાત મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં યુક્રેન મજબૂતીથી રશિયાનો સામનો કરી રહ્યું છે. યુક્રેન કોઈપણ ભોગે ઘૂંટણિયે પડવા તૈયાર નથી.
રશિયાને યુક્રેને આપી જોરદાર ટક્કર
ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે છેલ્લા 12 દિવસમાં તેમની સેનાએ રશિયાના કબજામાંથી લગભગ 6,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પાછો ખેંચી લીધો છે. ઝેલેન્સકીએ દેશના લોકોને કહ્યું કે સપ્ટેમ્બરની શરૂઆતથી અમારા સૈનિકોએ યુક્રેનના પૂર્વી અને દક્ષિણી વિસ્તારોમાંથી 6,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આઝાદ કરાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હવે અમે રશિયન સેના પાસેથી વધુ ભાગો છીનવી લેવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ સિવાય એવા પણ અહેવાલો છે કે યુક્રેનની સેના રશિયાની સરહદ સુધી પહોંચી ગઈ છે અને તે એક પછી એક પોતાના ગામોને રશિયન કબજામાંથી મુક્ત કરાવી રહી છે.