ટોપ ન્યૂઝવર્લ્ડ

યુક્રેનની રશિયા પર એર સ્ટ્રાઇક, ઓઇલ ડેપો પર રોકેટથી હુમલો કર્યો

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અટકવાના બદલે વધુ ઉગ્ર થતું જોવા મળી રહ્યું છે. રશિયાએ યુક્રેન પર દેશમાં ઘૂસીને હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાનો આરોપ છે કે, યુક્રેને તેની સરહદની 25 માઈલ અંદર આવીને ઓઈલ ડેપો પર ઉડાવી દીધો છે. રશિયાનો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે નિષ્ણાતોએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, તે પોતાના જ વિસ્તારો પર ઢોંગ તરીકે કેટલાક હુમલા કરી શકે છે અને યુક્રેનને દોષી ઠેરવી શકે છે. રશિયન અધિકારી યાકેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે, આ હુમલો યુક્રેનના બે સૈન્ય હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યો હતો.

રશિયાએ કહ્યું કે, બે યુક્રેનિયન હેલિકોપ્ટર તેના બેલગોરોડ શહેરમાં પ્રવેશ્યા અને S-8 રોકેટથી હુમલો કર્યો. જો રશિયાનો દાવો સાચો હોય તો બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર છે, જ્યારે કોઈ દેશે રશિયામાં હવાઈ હુમલો કર્યો હોય. યુક્રેન દ્વારા હુમલો કરાયેલો ઓઇલ ડેપો રશિયન રાજ્ય કંપની રોઝનેફ્ટ દ્વારા સંચાલિત છે. આ હુમલામાં કંપનીના બે કામદારો ઘાયલ થયા હતા. આ સિવાય નજીકના વિસ્તારોમાંથી ઘણા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે જેથી જાનમાલનું નુકસાન ઓછું કરી શકાય. આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

રશિયાના નિર્વાસિત નેતાનો દાવો છે કે પુતિન પોતાની જાત પર હુમલો કરી શકે છે
રશિયાના આ દાવા પર યુક્રેને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે પશ્ચિમી દેશો રશિયાના દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. હકીકતમાં ગયા અઠવાડિયે દેશમાંથી હાંકી કઢાયેલા એક રશિયન રાજકારણીએ દાવો કર્યો હતો કે, પુતિન સરકાર પોતે રશિયાના કેટલાક શહેરોમાં હુમલા કરી શકે છે. તેના દ્વારા તે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરશે કે યુક્રેને આક્રમકતા બતાવીને તેના વિસ્તારમાં હુમલો કર્યો છે અને આવી સ્થિતિમાં યુક્રેન પર હુમલો કરવો ખોટું નથી. ઇલ્યા પોનોમારેવે દાવો કર્યો હતો કે, રશિયા તેની પોતાની કેમિકલ અને હથિયાર ફેક્ટરીઓ પર હુમલો કરી શકે છે. આમાં નાગરિકોના મોત પણ થઈ શકે છે.

યુક્રેનનો દાવો છે કે, બે ગામોને રશિયાના કબજામાંથી મુક્ત કરવામાં આવ્યા છે
નોંધનીય છે કે, યુક્રેને રશિયન દળો પાસેથી બે વિસ્તારોના કબજામાંથી છુટકારો મેળવવાની વાત કરી છે. યુક્રેનનું કહેવું છે કે, તેણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્લોબોડા અને લુકાશિવકા ગામો પર કબજો કરી લીધો છે. આ ગામો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને પુરવઠા માર્ગની મધ્યમાં આવે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બેલારુસ થઈને યુક્રેનમાં ઝડપથી સૈનિકો મોકલવાનું શરૂ કર્યું છે. આ સિવાય રશિયાનું મુખ્ય ધ્યાન ડોનબાસ વિસ્તારને કબજે કરવા પર છે. આ કારણે એવું માનવામાં આવે છે કે રશિયા કોરિયાની જેમ યુક્રેનને પણ બે ટુકડામાં વહેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Back to top button