ગુજરાત

સુરતમાં સવારથી હળવા ઝાપટા, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી 329 ફુટ નજીક પહોંચી

Text To Speech

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજ સવારથી હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હળવા અને ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી વધીને 329 ફૂટ નજીક પહોંચી ગઈ છે.

સાર્વત્રિક સારો વરસાદ
સુરત શહેર અને જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા યથાવત રહ્યાં છે. રાત્રિના 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં સુરત શહેરના રાંદેર ઝોનમાં 9 MM , સેન્ટ્રલમાં 10 MM, વરાછા ઝોનમાં 141 MM તથા ઉઘનામાં 18 MM અને અઠવામાં 18 MM, વરાછા બીમાં 14 MM વરસાદ નોધાયો છે. જ્યારે જિલ્લાના મહુવા તાલુકામાં 16 MM અને બારડોલીમાં 15 MM તથા કામરેજમાં 7 MM વરસાદ પડ્યો છે.

ઉકાઈની સપાટીમાં વધારો

Ukai Dam
ડેમની સપાટી વધીને સવારના 10 વાગ્યે 328.87 નોધાઈ છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈની ઉપર આવેલા મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી દેવાતા ઉકાઈમાં 1,97,485 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી વધીને સવારના 10 વાગ્યે 328.87 નોધાઈ છે. જ્યારે આજનું રૂલ લેવલ 333 ફૂટ છે. હાલ સુરતના કોઝવેની સપાટી વધીને 6.67 જેટલી નોધાઈ છે.

Back to top button