UGC NETની નવી તારીખો જાહેર, ઓનલાઈન લેવાશે પરીક્ષા
- 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે પરીક્ષા, ગત 18 તારીખે યોજાયેલી પરીક્ષા પેપર લીકના સંકેતો મળ્યા બાદ શિક્ષણ મંત્રાલયે કરી હતી રદ્દ
નવી દિલ્હી, 29 જૂન: NTA દ્વારા શુક્રવારે UGC NET પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 18 તારીખે યોજાયેલી UGC NET પરીક્ષા પેપર લીકના સંકેતો મળ્યા બાદ શિક્ષણ મંત્રાલયે રદ કરી દીધી હતી. જે બાદ એનટીએ દ્વારા ગત મોડી રાત્રે પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી. NCET 2024ની પરીક્ષા 10મી જુલાઈ 2024ના રોજ લેવામાં આવશે. જોઈન્ટ CSIR-UGC NET 25 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે યોજાશે. જે બાદ યુજીસી નેટ 21મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજવામાં આવશે.
NCTAU તરફથી કેટલાક ઇનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી
યુજીસીને ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (એનસીટીએયુ) તરફથી પરીક્ષા અંગેના કેટલાક ઈનપુટ મળ્યા હતા. 18મી જૂને લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં કથિત ગેરરીતિઓ થઈ હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ આ પરીક્ષા રદ કરીને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પરીક્ષા પ્રક્રિયાની ઉચ્ચતમ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા જાળવવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. નવી પરીક્ષા લેવામાં આવશે.’ સીબીઆઈ આ કેસની વ્યાપક તપાસ કરશે. આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ બનવા માટે UGC-NET પરીક્ષા આપવી જરૂરી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી શું છે?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ એક સ્વાયત્ત સંસ્થા છે, જે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પરીક્ષાનું પેપર તૈયાર કરવાની, તેને પરીક્ષા કેન્દ્રમાં વિતરણ કરવાની અને પરીક્ષાનું પેપર તપાસવાની જવાબદારી સંભાળે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2017માં તેની જાહેરાત કરી હતી અને ડિસેમ્બર 2018માં, NTAએ પ્રથમ UGC-NET પરીક્ષાનું આયોજન કર્યું હતું. UGC-NET, NEET ઉપરાંત, NTA એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામીનેશન(મેઇન) પણ આયોજિત કરે છે. આ પરીક્ષાના આધારે, IIT અને NIT જેવી દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. જો કે, JEE મેઇન પછી, JEE એડવાન્સ લેવલની પરીક્ષા લેવામાં આવે છે અને તે IIT સંસ્થાઓ દ્વારા રોટેશન સિસ્ટમના આધારે લેવામાં આવે છે. આ ઉપરાંત, NTA CMAT અને GPAT જેવી પરીક્ષાઓ પણ આયોજિત કરે છે. દેશની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે CMAT હાથ ધરવામાં આવે છે અને ફાર્મસી સંસ્થાઓમાં માસ્ટર્સ પ્રોગ્રામમાં પ્રવેશ માટે GPAT હાથ ધરવામાં આવે છે.
આ પણ જુઓ: બજેટ પૂર્વે PPF, SCSS અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં