યુગાંડામાં સજાતિય સબંધો પર મળશે મોત! અમેરિકાએ આપી ધમકી
યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની દ્વારા સમલૈંગિકતા સંબંધિત બિલ પર હસ્તાક્ષર કર્યા બાદ તે LGBTQ સમુદાય માટે વિશ્વનો સૌથી કઠોર કાયદો બની ગયો છે. આ કાયદા અનુસાર યુગાંડામાં સમલૈંગિક સંબંધ રાખવા પર મૃત્યુ અને આજીવન કેદની સજા થશે. પશ્ચિમી દેશોએ આ કાયદાની આકરી ટીકા કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને પણ આ બાબતે ટિપ્પણી કરી છે. બાઈડેને કહ્યું હતું કે, ‘આ કાયદો શક્ય તેટલી વહેલી તકે રદ્દ થવો જોઈએ. બાઈડેને ધમકી આપી હતી કે જો તે આમ નહીં કરે તો પૂર્વ આફ્રિકન દેશમાં સહાય અને રોકાણમાં ઘટાડો કરશે. મહત્વનું છે કે યુગાંડા એ એક આફ્રિકન દેશ છે.
યુગાંડાના ધારાશાસ્ત્રીઓએ આ મહિનાની શરૂઆતમાં કાયદાનો નવો ડ્રાફ્ટ પસાર કર્યો હતો જેમાં યુગાંડાના મૂલ્યોને પશ્ચિમી અનૈતિકતાથી બચાવવાના તેમના પ્રયાસોમાં બહારની દખલગીરીનો વિરોધ કરવાનું વચન આપ્યું હતું. કાયદો જણાવે છે કે સમલૈંગિક તરીકે ઓળખાવવી એ ગુનો નહીં હોય પરંતુ સમલૈંગિક સંબંધ રાખવા માટે મૃત્યુ અને આજીવન કેદની સજા થશે.
જો કે, યુગાંડાનાની હાઈકોર્ટમાં કાયદા સામે કાયદાકીય પડકાર દાખલ કરવામાં આવ્યો છે. જેમાં દલીલ કરવામાં આવી છે કે કાયદો સ્પષ્ટપણે ગેરબંધારણીય છે. યુગાંડાએ ઘણા વર્ષોથી કોઈને ફાંસી આપી નથી.
આ પણ વાંચો: જાપાનના PM ફુમિયો કિશિદાએ તેમના પુત્ર પર કરી કાર્યવાહી!