T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

T20 World Cupમાં એક ટીમ એવી જેમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ સાથે રમશે

7 મે, અમદાવાદ: જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનારા ICC T20 World Cupની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં એક ટીમ એવી ઉતરવાની છે જેમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ ભેગા મળીને રમવાના છે.

આ ટીમ યુગાંડાની છે જેણે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે જે વર્લ્ડ કપમાં રમવા જવાની છે. આ 15 સભ્યોની ટીમમાં ભારતીય મૂળના 3 અને પાકિસ્તાની મૂળના 2 ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. યુગાંડાની ટીમની કપ્તાની બ્રાયન મસાબા કરશે.

મજાની વાત તો હવે આવે છે. ઉપર જણાવ્યા અનુસાર યુગાંડાની ટીમમાં ભારતીય મૂળના 3 ખેલાડીઓ રમવાના તો છે પરંતુ આ ત્રણેયનું સીધું કનેક્શન ગુજરાત સાથે છે. આ ત્રણ ખેલાડીઓના નામ છે રોનક પટેલ, અલ્પેશ રમજાણી અને દિનેશ નાકરાણી.

રોનક પટેલની ઉંમર 35 વર્ષની છે અને તેનો જન્મ ગુજરાતનાં આણંદમાં થયો હતો અને તેણે પોતાનું બાળપણ અહીં જ વિતાવ્યું છે. જ્યારે અલ્પેશ રમજાણી મૂળ ગુજરાતનો છે અને તેની ઉંમર 29 વર્ષની છે અને તેમનો જન્મ મુંબઈમાં થયો હતો.

દિનેશ નાકરાણી કચ્છમાં જન્મ્યો છે અને સાત વર્ષ પહેલાં યુગાંડા જઈને વસી ગયો હતો. દિનેશે 2014માં સૌરાષ્ટ્રની ટીમ માટે T20 ડેબ્યુ કર્યું હતું. આ અગાઉ તેઓ ગુજરાત માટે અન્ડર 19 સ્તરે પણ રમી ચૂક્યો છે.

યુગાંડાની ટીમમાં બે પાકિસ્તાની ખેલાડીઓ પણ છે જેમના નામ છે રિયાઝત અલી અને બિલાલ હસન. આ બંને પણ વર્ષો અગાઉ પાકિસ્તાન છોડીને યુગાંડા વસી ગયા હતા.

ઉપરોક્ત ખેલાડીઓ ઉપરાંત યુગાંડાની ટીમમાં એક બીજું આશ્ચર્ય પણ છે. યુગાંડાની આ ટીમમાં ઓફ સ્પિનર ફ્રેન્ક ન્સુબુગા પણ સામેલ છે જેની ઉંમર 43 વર્ષની છે અને જો તે આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમશે તો તેઓ T20 વર્લ્ડ કપ રમનાર સહુથી મોટી ઉંમરનો ખેલાડી બની જશે.

યુગાંડાએ ICC દ્વારા આયોજિત ક્વોલીફાયિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતી. આ ટુર્નામેન્ટમાં આયરલેન્ડ,સ્કોટલેંડ, પપુઆ ન્યૂ ગિની, કેનેડા, નેપાળ, ઓમાન, નામિબિયા અને યુગાંડાએ ભાગ લીધો હતો.

જ્યારે વેસ્ટ ઇન્ડિઝ, યુએસએ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ્સને ડાયરેક્ટ એન્ટ્રી મળી હતી.

યુગાંડાની મેચો દરમ્યાન ભારત-પાકિસ્તાનના ખેલાડીઓને એક સાથે રમતા જોવાની તાલાવેલી આ બંને દેશોના ક્રિકેટ ચાહકોમાં રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ICC T20 World Cupનું ફોર્મેટ

4 જૂન થી 30 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો છે અને તે ત્રણ સ્ટેજમાં રમાશે. આ ટીમોને 5-5ના ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે અને દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સુપર-8માં પ્રવેશ મેળવશે અને ત્યારબાદ એ આઠ ટીમોને 4-4ના બે ગ્રુપોમાં ફરીથી વહેંચવામાં આવશે. સુપર 8ના બંને ગ્રૂપોની ટોચની 2 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ મેળવશે અને આ બંને મેચોમાં જીત મેળવનાર ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.

Back to top button