શિવસેના કોની ? તે મુદ્દા પર SCમાં શું થયું? કાલે ફરી સુનાવણી
શિવસેના કોની ? આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં બુધવારે બન્ને પક્ષ વચ્ચે ખૂબ જ ચર્ચા થઈ. ઉદ્ધવ જૂથના વકીલ તરફથી કહેવામાં આવ્યુંકે જે ધારાસભ્યોએ ખોટી રીતે પાર્ટી છોડી દીધી છે તેઓ હવે પોતાને મૂળ પક્ષ હોવાનો દાવો કરી શકશે નહીં. તો, શિંદે જૂથના વકીલ તરફથી દલીલ રજૂ કરવામાં આવી કે કોઈએ પાર્ટી છોડી નથી. બહુમતીને હવે પાર્ટીના જૂના નેતૃત્વ પર વિશ્વાસ નથી. એક નેતા આખો પક્ષ નથી. નેતાના વિરોધને પક્ષ છોડવાનું કહેવું લોકશાહીની મૂળ ભાવના વિરુદ્ધ છે.
ચૂંટણી પંચની કાર્યવાહી રોકવા માંગ
આ સમગ્ર મામલે બંને જૂથોની અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજીઓમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા, રાજ્યપાલ વતી શિંદે જૂથને આમંત્રણ, વિશ્વાસ મતમાં શિવસેનાના 2 વ્હીપ જેવા અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
હવે ઉદ્ધવ ઠાકરે જૂથે પણ એક નવી અરજી દાખલ કરી છે જેમાં સુપ્રીમ કોર્ટે શિવસેનાના ચૂંટણી ચિહ્નની ફાળવણી માટે ચૂંટણી પંચમાં ચાલી રહેલી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરી છે. ઉદ્ધવ જૂથની બીજી અરજીમાં શિંદે પક્ષના સાંસદ રાહુલ શેવાળેને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે માન્યતા આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે.
બંધારણીય બેંચની રચનાનો સંકેત
હાલમાં ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હિમા કોહલીની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. 20 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે સંકેત આપ્યો હતો કે આ મામલાની સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરવામાં આવી શકે છે. તે દિવસે, કોર્ટે તમામ પક્ષકારોને સુનાવણીના મુદ્દાઓનું સંકલન રજૂ કરવા કહ્યું હતું. બુધવારે પણ કોર્ટે કહ્યું કે શિંદે જૂથના વકીલ હરીશ સાલ્વે તેમના મુદ્દાઓ ટૂંકમાં લખીને કોર્ટને આપે. ગુરુવારે સવારે આ મામલે વિચારણા કરવામાં આવશે.