અજિત પવારના બળવા પર ઉદ્ધવ ઠાકરેએ આપ્યુ નિવેદન, શું કહ્યું તેમણે?

મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા તોફાને રાજકીય ગરમીમાં વધારો કર્યો છે. NCPના બળવા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ વધી ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવાર અનેક ધારાસભ્યો સાથે NDAમાં ગયા છે. રવિવારે (2 જુલાઈ), તેમણે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ રાજકીય ઘટનાક્રમ પર મોટા નેતાઓના નિવેદનો આવી રહ્યા છે.
શું કહ્યુ ઉદ્ધવ ઠાકરેએ?
હવે આ મુદ્દે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નવા ગઠબંધન દ્વારા આવનારા સમયમાં સરકાર સારી રીતે ચલાવવી જોઈએ. જ્યારે રાજ્યપાલ રમેશ બૈસે અજિત પવારને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા, ત્યારે અન્ય આઠ MCP નેતાઓએ રાજભવનમાં યોજાયેલા સમારોહમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.
NCPના આ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા
છગન ભુજબલ, દિલીપ વાલસે પાટીલ, હસન મુશરફ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, ધર્મરાવ આત્રામ, અનિલ પાટીલ અને સંજય બંસોડે મંત્રી તરીકે શપથ લેનારાઓમાં સામેલ છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ અજિત પવારે કહ્યું કે તેમની પાર્ટીએ દેશના વિકાસ માટે એકનાથ શિંદે સરકારનો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.
અજિત પવારે NCP પર દાવો કર્યો
તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યની તમામ ચૂંટણી NCPના સિમ્બોલ પર લડશે. પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સરકારમાં જોડાવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પટનામાં તાજેતરમાં મળેલી વિપક્ષની બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેની હાજરીથી અજિત પવાર અને તેમના સમર્થકો નારાજ હતા.
ભત્રીજાના બળવા પર શરદ પવારે શું કહ્યું?
અજિત પવારના વિદ્રોહ પર એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે મને એ વાતની ચિંતા નથી કે લોકો ચાલ્યા ગયા છે, પરંતુ મને તેમના ભવિષ્યની ચિંતા છે. આજની ઘટના અન્ય લોકો માટે નવી હશે, પણ મારા માટે નહિ. મને મહારાષ્ટ્રના લોકો અને ખાસ કરીને યુવાનોમાં વિશ્વાસ છે. જેમણે પાર્ટી લાઇનનો ભંગ કર્યો છે અને શપથ લીધા છે, તેમના પર નિર્ણય લેવાનો રહેશે. અજિત પવારે મારી સાથે વાત કર્યા વિના આ પગલું ભર્યું છે. આ કોઈ ગુગલી નથી, આ લૂંટ છે, આ નાની વાત નથી.
આ પણ વાંચો: મોદી અને શાહને લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાંથી કેવી રીતે મળી મોટી રાહત?