ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉદ્ધવ ઠાકરેએ નિતિન ગડકરીને આપી ઑફર, શું રાજકીય ટ્વિસ્ટના એંધાણ?

Text To Speech
  • ઉદ્ધવ ઠાકરેએ આપેલી ઑફરને સુપ્રિયા સુલેએ પણ વધાવી લીધી
  • નિતિન ગડકરીને વિપક્ષમાં કોઈ દુશ્મન નથી માનતું, ગડકરી લોકશાહીમાં માને છેઃ સુપ્રિયા સુલે

મુંબઈ, 8 માર્ચઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને મહાવિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને એક એવી ઑફર આપી દીધી છે જેનાથી જાતજાતના રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને મહાવિકાસ અઘાડી (MVA)ના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડવાની ઑફર કરી છે. ઠાકરે દ્વારા આવી ઑફર કરવાનું કારણ એવું માનવામાં આવે છે કે, ભાજપે થોડા દિવસ પહેલાં લોકસભાના જે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી તેમાં ગડકરીનું નામ નથી. આ સ્થિતિનો લાભ લઈને ઉદ્ધવ ઠાકરેએ સોગઠી મારી દીધી છે.

મજાની વાત એ છે કે, ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને કરેલી ઑફર બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર જૂથ)નાં સુપ્રિયા સુલેએ પણ ઠાકરેને વાતને ટેકો આપ્યા. સુપ્રિયા સુલેએ બળતામાં ઘી હોમાય એ રીતે કહ્યું કે, નિતિન ગડકરી એક રાષ્ટ્રીય નેતા છે અને તેઓ મૂળભૂત ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે જે એક સુસંસ્કૃત પક્ષ હતો. શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલેએ આગળ વધીને કહ્યું કે, મને સમજાતું નથી કે હવે આ પક્ષને (ભાજપને) શું થઈ ગયું છે. અમે તો સંસદમાં સુષમા સ્વરાજ તથા અરુણ જેટલીને બોલતાં જોઈને શીખ્યા છીએ.

શું તમારો પક્ષ MVAમાં નિતિન ગડકરીને આવકારશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં સુપ્રિયા સુલેએ જણાવ્યું કે, ગડકરી એક એવા વ્યક્તિ છે જેમને વિપક્ષમાંથી કોઈ દુશ્મન નથી માનતું. તેઓ લોકશાહીમાં માને છે અને તેથી તેમના પ્રત્યે હંમેશા સન્માન રહેશે.

આ પણ વાંચોઃ PM મોદી ધોલેરામાં ટાટાના સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે

Back to top button