મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. CM ઠાકરેની અપીલ છતાં, શિવસેનાના ધારાસભ્યો પોતાના નેતા બદલવાની પ્રક્રિયા યથાવત જ છે. આજે સવારે વધુ ત્રણ ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ગયા છે. આ પહેલા બુધવારે ગુવાહાટીમાં વધુ ચાર ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા હતા.
બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે ચાર ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. એકનાથ શિંદે અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આ હોટલમાં રોકાયા છે. મળતી માહિતી મુજબ, સાંજે પહોંચેલા ચાર ધારાસભ્યો મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સાથે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા.
ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે. બાકીના બે ધારાસભ્યો મંજુલા ગાવિત અને ચંદ્રકાંત પાટીલ છે, જેઓ અપક્ષ ધારાસભ્ય છે.
વધુ બે ધારાસભ્યો ગુવાહાટી પહોંચે તેવી શક્યતા
આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવણકર ગુવાહાટી જવાના અહેવાલ છે. આજે સવારે ગુવાહાટી પહોંચેલા ધારાસભ્યોમાં આ બંને પણ સામેલ છે કે કેમ, તે હજુ સ્પષ્ટ થયું નથી. જો આ ધારાસભ્યો દાવા પ્રમાણે શિંદે કેમ્પમાં જોડાય તો શિંદે સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 થઈ જશે, જ્યારે અન્ય 12 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું કહેવાય છે.
આ દરમિયાન, ગઈકાલે શિંદે જૂથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને 34 ધારાસભ્યોની સહીવાળો પત્ર મોકલ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદે જ શિવસેનાના ધારાસભ્ય દળના નેતા છે. નવા ચીફ વ્હીપ તરીકે ભરત ગોગાવલેની પસંદગી કરવામાં આવી છે. શિંદેને મંગળવારે શિવસેનાએ વિધાનમંડળના નેતા પદ પરથી હટાવી દીધા હતા.
ઉદ્ધવે CM નિવાસસ્થાન છોડ્યું
બુધવારે દિવસભર ચાલેલી બેઠકો બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોડી સાંજે એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. તેઓ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનથી નીકળીને માતોશ્રી (તેમના ઘર) પહોંચ્યા હતા. એટલું જ નહીં, તેણે ફેસબુક પર લાઈવ આવીને કહ્યું કે બળવાખોરો આવીને તેમની સાથે વાત કરો.
ગઈકાલે મહારાષ્ટ્રના લોકો સાથે ફેસબુક પર વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજીનામું તૈયાર છે. તે પછી CM પદ પરથી લો, કે પાર્ટીના પ્રમુખ પદથી. પરંતુ ઉદ્ધવ ઠાકરેનું કહે છે કે તમારે જે કહેવું હોય તે સામે આવીને કહો. આમ કરીને ઠાકરેએ બોલ શિંદે જૂથના કોર્ટમાં નાખ્યો છે.