ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉદ્ધવ ઠાકરેએ સ્પીકરના અસલી શિવસેનાના નિર્ણયને SCમાં પડકાર્યો

મુંબઈ (મહારાષ્ટ્ર), 15 જાન્યુઆરી: અસલી શિવસેનાને લઈને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેમણે સ્પીકરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે પાર્ટીની સત્તા અંગે સ્પીકરના નિર્ણયને ખોટો ગણાવ્યો અને દાવો કર્યો છે કે શિવસેના પર તેમની પાસે વાસ્તવિક સત્તા છે. અરજીમાં દાવો કરાયો છે કે ઉદ્ધવ જૂથ જ અસલી શિવસેના છે. જો કે, 10 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ચુકાદો સંભળાવ્યો હતો કે, શિંદે જૂથ અસલી શિવસેના છે.

અમે લોકોને સાથે લઈને લડીશું અને લોકોની વચ્ચે જઈશું: ઉદ્ધવ

સ્પીકરના નિર્ણય બાદ જ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે જનતાને સાથે લઈને લડીશું અને લોકોની વચ્ચે જઈશું. તેમણે કહ્યું કે સ્પીકર દ્વારા લેવાયેલો આદેશ લોકતંત્રની હત્યા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પણ અપમાન છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે અને ખોટું કર્યું છે. હવે અમે આ લડાઈ આગળ લડીશું અને અમને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. સુપ્રીમ કોર્ટ જનતા અને શિવસેનાને સંપૂર્ણ ન્યાય આપ્યા વિના અટકશે નહીં.

સ્પીકરે ઠાકરે જૂથની અરજી નકારી કાઢી હતી

10 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે સહિત 16 શાસક જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ઠાકરે જૂથની અરજીને પણ નકારી કાઢી હતી. અયોગ્યતાની અરજીઓ પરના તેમના નિર્ણયમાં સ્પીકરે કોઈપણ ધારાસભ્યને અયોગ્ય ઠેરવ્યા ન હતા. નાર્વેકરે કહ્યું હતું કે કોઈપણ પક્ષનું નેતૃત્વ આંતરિક અસંમતિ અથવા અનુશાસનને દબાવવા માટે બંધારણની 10મી અનુસૂચિની જોગવાઈઓનો ઉપયોગ કરી શકે નહીં. સ્પીકરે કહ્યું હતું કે જૂન 2022માં જ્યારે પાર્ટીનું વિભાજન થયું ત્યારે શિંદે જૂથને પાર્ટીના કુલ 54 ધારાસભ્યોમાંથી 37નું સમર્થન હતું. તેમજ સ્પીકરે શિંદે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના બે જૂથોના કોઈપણ સભ્યને ગેરલાયક ઠેરવવાનો પણ ઇનકાર કર્યો હતો.

પાર્ટીની રચના બાળાસાહેબ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી અને કથિત રીતે પરસ્પર મતભેદો બાદ એકનાથ શિંદેએ બળવો કરીને ઘણા ધારાસભ્યો સાથે પાર્ટીથી પોતાને દૂર કર્યા હતા. આ પછી તેમણે શિવસેના પર દાવો પણ કર્યો અને ઉદ્ધવ ઠાકરેને પાર્ટીમાંથી બહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એકનાથ શિંદેએ ભાજપની મદદથી રાજ્યમાં સરકાર બનાવી અને હાલમાં તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે.

આ પણ વાંચો: મિલિંદ દેવરાએ કોંગ્રેસનો હાથ છોડીને શિવસેનાનો કેસરિયો ધારણ કર્યો

Back to top button