બાળાસાહેબે આખી જિંદગી જેમનો વિરોધ કર્યો ઉદ્ધવે તેમને પસંદ કર્યા: દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ, શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન બનશે. ભાજપે આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી. આ પ્રસંગે તેમણે શિવસેના સરકાર અને ઉદ્ધવ ઠાકરેને ઘેરી લીધા હતા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 2019માં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું અને વિધાનસભામાં અમારી પાસે પૂરતી સંખ્યા હતી. અમને આશા હતી કે સરકાર બનશે પરંતુ બાળાસાહેબ ઠાકરેએ જીવનભર જેનો વિરોધ કર્યો તેની સાથે શિવસેનાએ ગઠબંધન કર્યું.
દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત વ્યક્તિને મંત્રી બનાવવામાં આવ્યા
શિવસેનાએ એવા લોકો સાથે સરકાર બનાવી જે હંમેશા હિન્દુત્વ અને વીર સાવરકરની વિરુદ્ધ હતા. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું હતું. એક તરફ જ્યાં શિવસેનાએ દાઉદ ઈબ્રાહિમનો વિરોધ કર્યો હતો. બીજી તરફ તેણે પોતાના કેબિનેટમાં એવા વ્યક્તિને રાખ્યા, જેમને દાઉદ સાથે સંબંધ હોવાના કારણે જેલમાં જવું પડ્યું.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જ્યારે સરકાર છોડવાની તૈયારીમાં હતી ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય હવે નવી સરકાર લેશે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે, અમે ભાજપ સાથે ગઠબંધન સ્વીકારીએ છીએ પરંતુ કોંગ્રેસ NCP સાથે નહીં જાય. ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે ગુરુવારે સાંજે 7.30 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપે હિન્દુત્વ માટે શિંદેને સમર્થન આપ્યું છે. પાર્ટી સરકારમાં સામેલ થશે, પરંતુ હું તેનો ભાગ બનીશ નહીં.