ટોપ ન્યૂઝવર્લ્ડ

UAEમાં પૂરના કારણે ભયાનક સ્થિતિ, 27 વર્ષ બાદ થયો ભારે વરસાદ

Text To Speech

સાઉદી અરેબિયન અમીરાત (UAE) ના પૂર્વ ભાગોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાક મકાનોને નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાર પાણીમાં તણાઈ ગયાની ઘટના બની છે. લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. પૂરને કારણે ખાનગી અને જાહેર મિલકતોને નુકસાન થયું છે.

પૂરે મચાવી તબાહી

UAEમાં ગત બુધવારથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. બે દિવસના ભારે વરસાદ બાદ પૂર્વના ઘણા વિસ્તારોમાં પૂરે તબાહી મચાવી છે. ખાસ કરીને શારજાહ, રાસ અલ ખૈમાહ અને ફુજૈરાહ જેવા વિસ્તારો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાસ અલ ખૈમાહમાં ઘણી ખીણો અને ડેમ પ્રભાવિત થયા છે. સ્ટોર્મ સેન્ટરથી ટ્વીટ કરાયેલા નવા વીડિયોમાં ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેમાંથી અલ બયાહ વાડીનો વીડિયો સૌથી ભયાનક છે.

પૂર્વીય વિસ્તારોમાં ના જવા લોકોને સલાહ 

શારજાહ પોલીસે સ્થાનિક લોકોને દેશના પૂર્વીય વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. નેશનલ સેન્ટર ફોર મીટીરોલોજી (NCM) એ કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. NCMનું કહેવું છે કે UAEમાં 27 વર્ષ બાદ આટલો ભારે વરસાદ થયો છે. શારજાહ પોલીસે લોકોને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાનું પણ કહ્યું છે. લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સેના પણ સક્રિય રીતે બચાવ કાર્યમાં લાગેલી છે. પ્રશાસને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકી દીધી છે. યુએઈના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગૃહ મંત્રાલયે અગાઉ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે વહીવટીતંત્ર કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે.

પૂર પ્રભાવિત વિસ્તારોના કર્મચારીઓ કરી રહ્યા છે ઘરેથી કામ

પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની સાથે ફેડરલ કર્મચારીઓને ગુરુવાર અને શુક્રવારે ઘરેથી કામ કરવા વિનંતી કરવામાં આવી છે.અહેવાલ અનુસાર UAEના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રશીદે પૂરથી વિસ્થાપિત થયેલા પરિવારો માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે. પૂરના કારણે ઘરવિહોણા બનેલા લોકો માટે કામચલાઉ આશ્રય ગૃહની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે હાઈવે પર પાર્ક કરેલી કાર પૂરના પાણીમાં ફસાઈ ગઈ છે. કેટલીક તસવીરોમાં બચાવકર્મીઓ લોકોને તેમના ઘરની બહાર સુરક્ષિત રીતે બહાર કાઢતા જોવા મળે છે. UAEમાં પૂરના કારણે સર્જાયેલી આ તબાહીને જોતા અસરગ્રસ્ત વિસ્તારોના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. જો કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે.

UAE કેબિનેટે ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાનની અધ્યક્ષતાવાળી સમિતિની તાત્કાલિક રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કેબિનેટે પૂરને કારણે થયેલા નુકસાનનો આકલન અહેવાલ સુપરત કરવા અને લોકોને આ પરિસ્થિતિમાંથી બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

Back to top button